ગુજરાતના મહિલા IAS ના હરિયાણાના ઓફિસર સાથે લગ્ન
અમદાવાદ: હરિયાણાના આઈએએસ કેડરમાં હવે વધુ એક મહિલા અધિકારી સામેલ થયા છે. ૨૦૧૫ ના બેચના ગુજરાત કેડરના આઈએએસ નેહાના લગ્ન હરિયાણા કેડરના ૨૦૧૫ બેચના આઈએએસ રાહુલ હુડ્ડા સાથે થયા છે. આ કારણે નેહાને ગુજરાતથી હરિયાણામાં ઈન્ટર કેડર ટ્રાન્સફર આપવામાં આવ્યુ છે. હરિયાણામાં અનેક એવા આઈએએસ અને આઈપીએસ છે, જેમના લગ્નથી તેમને હરિયાણા કેડરમા ટ્રાન્સફર આપવામાં આવ્યું છે.
ગત સપ્તાહાં ૧૬ જુલાઈના રોજ કેન્દ્ર સરકારના ડીઓપીટી દ્વારા આઈએએસ કેડર નિયમ ૧૯૫૪ અંતર્ગત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઉલ્લેખ કરાયો કે, નેહાના હરિયાણા આવવા પર ગુજરાત અને હરિયાણા બંનેની સરકારોએ સહમતિ આપી છે. ડિસેમ્બર ૨૦૧૫ માં રાહુલ હુડ્ડાને આઈએએસનું હિમાચલ કેડર એલોટ કરાયુ હતું. પરંતુ તેમને હરિયાણા કેડરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કેમ કે, તેમણે ત્યારે હરિયાણા કેડરના ૨૦૧૧ ના બેચની એક મહિલા આઈપીએસ સાથે લગ્ન કર્યા હતા.
રાહુલ હુડાનું ગૃહરાજ્ય દિલ્હી છે. થોડા વર્ષો પહેલા રાહુલ હુડ્ડાના મહિલા આઈપીએસ સાથે લગ્ન થયા હતા, અને બાદમાં તલાક થયા હતા. જેના બાદ રાહુલે ૨૦૧૫ ના બેચની ગુજરાત કેડરના નેહા સાથે લગ્ન કર્યા. જેથી તેમની માંગણી પર નેહાને હરિયાણાના કેડરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નેહાનું ગૃહરાજ્ય બિહાર છે.
હરિયાણા કેડરમાં ૨૦૧૫ બેચમાં ચાર અન્ય આઈએએસ મોહંમદ ઈમરાજ રજા, પ્રશાંત પવાર, પ્રીતિ અને ઉત્તમ સિંહ પણ સામેલ છે. કેન્દ્ર સરકારના નિયમોમાં આ પણ એક નિયમ છે કે, જાે બંને પતિ પત્ની ઈચ્છે તો કેન્દ્ર સરકાર તેને કોઈ ત્રીજુ રાજ્ય કેડર ફાળવી શકે છે. હરિયાણામાં અનેક આઈએએસ અને આઈપીએસ ઓફિસરોએ આ રીતે કેડર બદલ્યુ છે. તાજેતરમાં લગ્નથી ચર્ચામાં આવેલ આઈએએસ ટોપર ટીના ડાબી અને આમિરે લગ્ન બાદ તલાક થતા તેમના કેડર બદલવા અરજી કરી હતી.