ગુજરાતના રાજકારણમાં ધ્રુવીકરણની અટકળોને લઈને રાજકીય પક્ષોમાં મનોમંથનની શરૂઆત
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતના રાજકારણમાં મોટાપાયે ધ્રુવીકરણને લઈને પાછલા કેટલાક દિવસોથી અટકળો શરૂ થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ધમધમાટ ચાલુ થયો છે.
આ વખતે રાજકારણમાં ચોક્કસ નવાજૂનીના એંધાણ વર્તાઈ રહયા છે. ત્યારે રાજકીય પક્ષોના આગેવાનો- કાર્યકરો સહિત સૌ કોઈ મતોની ગણતરી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. ખાસ તો ગુજરાતના રાજકારણમાં ત્રીજા પરિબળને લઈને ખાસ્સી એવી ચર્ચા ચાલી રહી છે આમ આદમી પાર્ટી કોતા મત તોડશે તે લઈને પોલીટીકલ પાર્ટીઓની સાથે રાજકીય પંડિતો વિશ્લેષણ કરવા લાગ્યા છે.
કોણ ?? કોના મત તોડશે ?? ભાજપના આગેવાનો એવા તારણ પર આવ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની જગ્યાએ કોંગ્રેસને રાજકીય રીતે વધારે નુકસાન કરી શકે છે.
બીજી તરફ સૌરાષ્ટ્રના પાટીદાર મસાજના કદાવર નેતાની રાજકીય એન્ટ્રીના સંદર્ભમાં પાછલા ઘણા દિવસથી રાજકીય વાતાવરણ ગરમાયુ છે. જાેકે કેટલાક ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના કમીટેડ પાટીદાર મતદારોની ટકાવારી અલગ અલગ છે તેથી કોઈપણ આગેવાનની એન્ટ્રીથી ભાજપને વ્યાપક નુકશાન થશે નહી.
જાેકે આ તો ભાજપના કેટલાક આગેવાનોનું વ્યક્તિગત તારણ છે બીજી તરફ કોંગ્રેસના આગેવાનો એવું માને છે કે સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા તેમના પક્ષમાં જાેડાશે તો સૌરાષ્ટ્રમાં તેમનો ફાયદો તો થશે જ પરંતુ રાજયની અન્ય બેઠકો પર તેની અસર જાેવા મળશે.
આમ ભાજપ-કોંગ્રેસમાં ‘આપ’ની સાથે સૌરાષ્ટ્રના પાટીદાર નેતાના રાજકારણ જાેડાવાના અહેવાલોને લઈને અલગ-અલગ પ્રકારની થીયરીઓ પર મનોમંથન ચાલી રહયુ છે હાલમાં તો રાજકીય પક્ષોના આગેવાનો- કાર્યકરોમાં આ મુદ્દો ચર્ચાના ચગડોળે ચઢયો છે.