ગુજરાતના રાણીની વાવના ટેબ્લોએ દિલ્હીની પરેડમાં આકર્ષણ જમાવ્યું

પાટણની વાવ, પાટણ શે‘રની નાર, અને પાટણના પટોળાએ દેશના પાટનગરને પ્રભાવિત કર્યું..!
ગુજરાતની રાણીની વાવ અને પાટણ શે’રની નારે નવી દિલ્હીના રાજમાર્ગ પર હકડેઠઠ ઉમટી પડેલા રાજધાનીવાસીઓને ભારે પ્રભાવિત કર્યા હતા. ૭૧મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી પાટણની રાણીની વાવ-જલ મંદિરનો ટેબ્લો પ્રસ્તુત થયો હતો. ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદ, પરેડના મુખ્ય મહેમાન બ્રાઝિલ સંઘીય ગણતંત્રના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જાઈખ મેસીઆસ બોલ્સોનારો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈય્યાહ નાયડુની ઉપસ્થિતિમાં યોજાયેલી પરેડમાં ગુજરાતના કળાત્મક ટેબ્લો એ ભારે આકર્ષણ ઉભું કર્યું હતું.
રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી ‘રાણીની વાવ : જલ મંદિર’નો ટેબ્લો પ્રસ્તુત થયો હતો. ગુજરાતના ગૌરવ સમી રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્યતા-સંસ્કૃતિ અને અદભૂત કળાના સમન્વય સમી રાણીની વાવ ગુજરાતની જળસંચયની બેનમૂન પરંપરાનું ઉદાહરણ છે. ગુજરાતની આ ભવ્ય વિરાસતને તાદ્દશ કરતો ટેબ્લો રાષ્ટ્રીય પરેડમાં સમગ્ર રાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. દેશના જુદા-જુદા ૧૬ રાજ્યોના ટેબ્લો અને ભારત સરકારના ૬ વિભાગોના ટેબ્લો આ પરેડમાં રજૂ થયા હતા.
આ ટેબ્લોમાં રાણીની વાવની ભવ્યતાને કલાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. ફાઈબર મટિરિયલ છતાં પથ્થરોમાં કંડારાયેલી હોય એવી આબેહૂબ પ્રતિમાઓથી ટેબ્લો દીપી ઉઠ્યો હતો. જળસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના અગ્ર ભાગમાં પાણી ભરેલાં માટલાં સાથેની ગ્રામીણ ગુજરાતણનું વિશાળ શિલ્પ મુકવામાં આવ્યું હતું. રાણીની વાવ માં શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુનું શિલ્પ મુખ્ય છે. આ શિલ્પની પ્રતિકૃતિ પણ ટેબ્લોના અગ્રભાગને શોભાવી રહી હતી.
હાથશાળનાં પટોળા માટે પણ પાટણ પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વને ગુજરાતની આ બેનમૂન હસ્તકળાનો પણ પરિચય થાય એ હેતુથી ટેબ્લોની બંને બાજુએ હાથવણાટના અસલ પટોળા મૂકવામાં આવ્યા હતા.
ટેબ્લોની પાછળના ભાગે ભગવાન વિષ્ણુના વામન અવતારની સુપ્રસિદ્ધ પ્રતિમાની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી.
રાણીની વાવનો આ ટેબ્લો કળાનો બેનમૂન નમૂનો બની રહ્યો. ટેબ્લો સાથે કુલ ૨૬ કલાકારો એ ગુજરાતની કલા- સંસ્કૃતિને દિલ્હીના રાજમાર્ગ પર ગરબારુપે રજૂ કરી હતી.. ટેબ્લોની ઉપર રાણીની વાવમાં વટેમાર્ગુને પાણી પીવડાવતી ગુજરાતી નાર, વાવમાં પાણી ભરવા જતા મા-દીકરી સહિત કુલ ૧૦ કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદની પ્રકાશ હાયર-સેકન્ડરી સ્કૂલની પાંચ વર્ષની વિધાર્થીની કુ. આજ્ઞા સોની અને ૧૦ વર્ષની વિદ્યાર્થીની કુ. ધ્યાના સોની, સૌથી નાની વયની આ બંન્ને બાલિકાઓએ સમગ્ર પરેડમાં આકર્ષણ ઉભું કર્યું હતું. ૧૬ કલાકારો હાથમાં મટુકી લઈને ગુજરાતી ગરબો “હું તો પાટણ શે’રની નાર જાઉં જળ ભરવા, મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા….”ગાતાં ગાતાં રાણીની વાવના ટેબ્લો સાથે ગરબા કરતા હતા ત્યારે ઉપસ્થિત જનમેદનીએ હર્ષોલ્લાસથી કલાકારોને આવકાર્યા હતા.
રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા નિર્મિત આ ટેબ્લોની પ્રસ્તુતિ વેળાએ માહિતી નિયામકશ્રી અશોક કાલરીયા, નાયબ માહિતી નિયામકશ્રી પંકજ મોદી અને શ્રી હિરેન ભટ્ટે પરેડમાં ઉપસ્થિત રહી ટેબ્લો કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું.
ટેબ્લોનું ફેબ્રિકેશન કામ અને સર્જનાત્મક કામગીરી અમદાવાદની સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રા.લિ.ના શ્રી સિદ્ધેશ્વર કાનુગા, શ્રી ધવલ પટેલ,શ્રી સાગર શાહ અને શ્રી મયુર વાંકાણી અને એમની ટીમે કરી હતી.