ગુજરાતના વડોદરા શહેરમાં સ્થપાયું ઇ-વ્હિકલ્સ માટેનું પહેલું ર્ચાજિંગ સ્ટેશન
વડોદરા: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ ગુજરાતમાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાહનોના ર્ચાજિંગ માટેનું પ્રથમ ર્ચાજિંગ સેન્ટર સ્થાપ્યું છે. એચપીસીએલના ડિરેક્ટર (માર્કેટિંગ) રાકેશ મિસ્ત્રીએ ર્ચાજિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ સ્ટેશન ગુજરાતમાં એચપીસીએલનું પહેલું ર્ચાજિંગ કેન્દ્ર છે. આવનારા દિવસોમાં તબક્કાવાર ર્ચાજિંગ સ્ટેશનો શરૂ કરવામાં આવશે.
હાલમાં ઇલેકટ્રીક ગાડીઓનો વપરાશ ઓછો છે. જેનું મુખ્ય કારણ ગાડીઓની કિંમત વધારે છે. ગાડીઓની કિંમત ઓછી કરવા માટે ગાડીઓમાં વપરાશમાં લેવાતી બેટરી મોંઘી છે. પરંતુ, બેટરીની કિંમત ઓછી થાય તે માટેના સતત પ્રયાસો ચાલી રહ્યા છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ દેશભરમાં યોગ્ય સ્થળોએ ઇલેક્ટ્રિક વાહનો માટે ર્ચાજિંગ સેન્ટર સ્થાપવાની યોજના ધરાવે છે. ર્ચાજિંગ સેન્ટરમાં ટુ વ્હીલ, થ્રી વ્હીલ અને ફોર વ્હીલ ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની સુવિધા મળશે. કંપનીના પ્રવક્તા પંકજ વાસવાણીએ જણાવ્યું હતું કે તબક્કાવાર વડોદરામાં ૩ અને સુરતમાં આવા ૪ ઇવીસી શરૂ કરવાનું આયોજન છે.
આરટીઓના જણાવ્યા પ્રમાણે વડોદરામાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર મળીને કુલ ૧૮૫ જેટલા વિદ્યુત વાહનો નોંધાયેલા છે. એચપીસીએલ એ એનટીપીસી પાસેથી આ ર્ચાજિંગ સ્ટેશન મેળવ્યા છે. જેમાં ફાસ્ટ ર્ચાજિંગ અને સ્લો ર્ચાજિંગ એમ બે પ્રકારે વિદ્યુત વાહન ચાર્જ કરાવી શકાય છે.