Western Times News

Gujarati News

ગુજરાતના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો

અમદાવાદ, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે ૧ અને ૨ ડિસેમ્બરના રોજ પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેની અસર આજે વહેલી સવારથી સુરત, અમદાવાદ, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં દેખાઈ હતી.

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે ૬ વાગ્યેથી ધીમી ધારે વરસાદી ઝાપટું પડયુ હતું. પવન સાથે વરસાદી ઝાપટું પડ્યા હતા. હવામાન વિભાગની આગાહીના પગલે, અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસથી શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. પવન સાથે માવઠું થતા શહેરીજનો ઠુઠવાયા હતા. શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, ગોતા, પ્રહલાદનગર, શિવરંજની, વસ્ત્રાપુર, બોપલ, બોડકદેવમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક વધી છે. હાલ પણ શહેરનું વાતાવરણ વાદળછાયું છે.

અમદાવાદની સાથે વહેલી સવારે સુરત, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સુરતમાં મંગળવારે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. આજે, બુધવારે શહેરમાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પણ મંગળવારે બપોર બાદ અનેક જગ્યાએ માવઠું થયુ હતુ. ઊના અને ગીરગઢડા પંથકનાં અમુક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાનાં બગીચાઓમાં વ્યાપક નુકશાન થઈ શકે છે.

જેથી ખેડૂતો પણ ચિંતીત બન્યા છે. ૨ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ૪૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.