ગુજરાતના વિકાસની ગૌરવગાથા લખાશે ત્યારે પાટીદાર સમાજનું નામ સુવર્ણ અક્ષરે લખાશે : કેન્દ્રીય ગૃહમંત્રી
અમદાવાદના સોલા ખાતે ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ સમારોહ માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિ
મા ઉમિયાનું મંદિર સામાજિક ચેતનાનું કેન્દ્રબિંદુ બની રહેશે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
પાટીદાર સમાજે વિશ્વભરમાં ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે તેમના મતક્ષેત્રમાં મા ઉમિયાના ભવ્ય મંદિર નિર્માણ અંગે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, મંદિરો એ માત્ર ધર્મકેન્દ્ર નથી, પરંતુ સમાજના ઉર્જાકેન્દ્ર છે અને તે સમગ્ર સમાજને એક તાંતણે બાંધે છે.
શ્રી અમિતભાઈ શાહે મા ઉમિયા માતાજી મંદિરના શીલાન્યાસ સમારોહ આમંત્રણ બદલ પાટીદાર સમાજનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયા માતાજીના મંદિર નિર્માણ માટે અભિનંદન પાઠવું છું અને તે પાટીદાર સમાજનું ઉત્કર્ષ કેન્દ્ર બની રહે તેવી શુભકામના પાઠવું છું. તેમણે આ અવસરે ૫૧ કરોડ મંત્રલેખન માટે પાટીદાર બહેનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે સમગ્ર દેશમાં મંદિર નિર્માણ-પુનરોદ્ધાર અંગેની પૂર્વભૂમિકા આપતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં શ્રદ્ધાકેન્દ્રોને પુનર્જીવિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. તેમણે આ અવસરે કાશી વિશ્વનાથ મંદિર અને કેદારનાથ ધામના પુનરોદ્ધારના ઉદાહરણો પણ ટાંક્યા હતા. તેમણે કહ્યું કે, અગાઉના સમયમાં વડાપ્રધાન પદભાર સંભાળ્યા બાદ મંદિર જતા શરમાતા હતા, પણ શ્રી નરેન્દ્રભાઈએ પદભાર ગ્રહણ કર્યા બાદ મંદિરના દર્શન કરી નવી પરંપરા પ્રસ્થાપિત કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આ અવસરે ઉપસ્થિત સૌ નાગરિક ભાઈ-બહેનોને કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ લેવાનો અનુરોધ કરતાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વનું સૌથી મોટું કોરોનાવિરોધી રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે, તેમાં આપણે સૌ સહયોગ આપીએ.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે મા ઉમિયા ધામ સંસ્થા ભાવિ પેઢીના ઉત્કર્ષનું શ્રદ્ધાકેન્દ્ર બનશે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, એકતા, સંગઠન, ભાઈચારો, સહિષ્ણુતા અને કઠોર પરિશ્રમના સદગુણો ધરાવતા પાટીદાર સમાજે વિશ્વભરમાં ભારતના ગૌરવને પ્રસ્થાપિત કર્યું છે.
રાજ્યપાલશ્રીએ વિદ્યાદાનને મહાન દાન ગણાવતા જણાવ્યું હતું કે, શિક્ષિત સમાજ રાષ્ટ્રની મહામૂલી સંપતિ છે. પાટીદાર સમાજે મા ઉમિયાધામ સંસ્થા દ્વારા અત્યાધુનિક શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવાનો જે નિર્ણય કર્યો છે તેનાથી યુવાનોને નવી પ્રેરણા મળશે.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિએ સમય સમય પર દેશને નેતૃત્વ પુરુ પાડ્યું છે. દેશની આઝાદી માટે મહાત્મા ગાંધી અને સરદાર પટેલે દેશને નેતૃત્વ પૂરૂ પાડ્યું. સામાજિક ઉત્થાન અંગે દયાનંદ સરસ્વતીએ રાષ્ટ્રને નેતૃત્વ પૂરું પાડ્યું હતું અને વર્તમાન સમયમાં ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત દેશે અનેકવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપના કરી જે ભાવિ પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યું છે.
પાટીદાર સમાજ ગુજરાત રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન અવિરત આપતો રહે તેવી શુભકામના પણ રાજ્યપાલશ્રીએ આ તકે વ્યક્ત કરી હતી.
આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જય પાટીદારના ઉદઘોષ સાથે સંબોધનનો આરંભ કરતાં કહ્યું કે, ઉમિયા માતાજીનું મંદિર પાટીદાર સમાજની સામાજિક ચેતનાનું કેન્દ્રબિંદુ બની રહેશે તેવો મને વિશ્વાસ છે. તેમણે મંદિરકાર્ય નિર્માણ સાથે જોડાયેલા ટ્રસ્ટીગણને અભિનંદન પાઠવતા કહ્યું કે, આ પ્રકારના કાર્યો માત્ર ઈશ્વરીય મદદથી જ પાર પડી શકે છે.
શ્રી ભૂપેન્દ્રભાઈએ આ અવસરે પાટીદાર સમાજની સેવા ભાવનાની પ્રસંશા કરતા કહ્યું કે, પાટીદાર સમાજ વૈશ્વિક કુટુંબ ભાવનામાં વિશ્વાસ ધરાવે છે અને એટલે જ તે હંમેશા સૌની સેવા માટે તત્પર રહે છે.
મુખ્યમંત્રીશ્રીએ પોતાની જાતને ભૂલીને જગદંબાની સેવા કરનારા કર્મયોગી પાટીદારોને બિરદાવતા કહ્યું કે, પાટીદારો એ ભારતીય સંસ્કૃતિને આત્મસાત કરી છે. જેમાં પોતે કમાઈને બીજાને ખવડાવવાનો સેવાભાવ રહેલો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ મહાન કાર્યમાં તન,મન અને ધનથી સહયોગ આપનારા સૌ સેવાભાવી સજ્જનોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે મા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવને ઐતિહાસિક ગણાવી વિશ્વભરમાં છવાયેલા પાટીદાર સમાજના શ્રધ્ધા કેન્દ્રનું નિર્માણ થઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું.
ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના અધ્યક્ષ શ્રી મણીભાઇ પટેલે આ પ્રસંગે શુભકામનાઓ પાઠવી શ્રેષ્ઠ સમાજની રચના માટે સૌને પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો.
પાટીદાર અગ્રણી શ્રી બાબુભાઇ પટેલે સરદાર પટેલને યાદ કરી જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ હંમેશા જોડવાનું કાર્ય કરે છે.તેમણે ૨૧ મી સદીને વિજ્ઞાન તેમ જ ધર્મની સદી ગણાવી હતીં. આ પ્રસંગે શ્રી રમેશભાઇ પટેલ-દુધવાળાએ શ્રી ઉમિયાધામ-સોલાના વિકાસ પ્રોજેક્ટની ઝલક આપી હતી. જ્યારે દિલિપભાઇ પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું
આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરિટભાઈ પરમાર, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી શ્રી જગદિશ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમાર,ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, ઉમિયાધામ મંદિર સંસ્થાનના પ્રમુખશ્રી મણીભાઈ (મમ્મી) પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, પૂર્વ ઉદ્યોગમંત્રી શ્રી સૌરભભાઈ પટેલ અને પાટીદાર સમાજના અગ્રણીઓ- શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.