સુરેન્દ્રનગર કલેક્ટર કે. રાજેશની ઓફિસ અને નિવાસસ્થાને CBIના દરોડા

ગાંધીનગર, ગુજરાત સામાન્ય વહીવટ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે. રાજેશની ઓફિસ અને નિવાસસ્થાને આજે શુક્રવારે વહેલી સવારે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. બંદૂકના લાઇસન્સની પરવાનગી આપવામાં લાંચ લેવા સહિતની 20થી વધુ ફરિયાદ કર્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં સરકારી જમીન પ્રાઈવેટ વ્યક્તિઓને પધરાવ્યાનો પણ આરોપ છે. આ ઓપરેશન ગાંધીનગર, સુરેન્દ્રગર, સુરત ઉપરાંત આંધ્રપ્રદેશના રાજામુંદ્રીમાં તેમના નિવાસસ્થાને હાથ ધરવામાં આવ્યું હતું.
સીબીઆઈની ટીમે સુરતથી વચેટિયા રફીક મેમણની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ, પ્રત્યેક અરજદાર પાસેથી કલેક્ટર કે. રાજેશ દ્વારા કુલ 5 લાખની લાંચ માગવામાં આવતી, જેમાં 4 લાખની રોકડ અને 1 લાખના ચેક પેટે લેતા હતા. આ અંગે ફરિયાદી મથુર સાકરિયા સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી, જેમાં તેમણે ચોંકાવનારા આરોપ મૂક્યા હતા.
આ આખાયે કેસમાં સુરેન્દ્રનગરના કેરાળા ગામના ફરિયાદી મથુર સાકરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે રોકડા અને ચેકથી નાણાં આપ્યા હતા, એમ છતાં પણ જ્યારે તેમને પોતાના માટે કપડાંની ખરીદી કરવી હોય તોપણ તેઓ અમને એ લઈ આપવા માટે કહેતા હતા. આમ, નાણાંથી પણ અમારે એક વખત વ્યવહાર થયો હોવા છતાં બીજી રીતે પણ અવારનવાર ભોગવવાનો વારો આવી ચડતો હતો.