ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડસ સમારંભ યોજાયો
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રદાન કરનાર લોકોનું સન્માન એ આપણી આગવી પરંપરા છે. રાજ્ય સરકાર પણ એ દિશામાં અગ્રેસર છે ત્યારે વિવિધ સેવાભાવી અને સ્વૈચ્છિક સંગઠનો પણ આ દિશામાં આગળ આવે તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું.
નોલેજ પ્લસ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલા સમારંભમાં અધ્યક્ષશ્રીએ વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર લોકોને એવોર્ડથી સન્માનિત કર્યા હતા શિક્ષણ, તબીબી, નાટ્યકલા, સાહિત્ય, ચિત્રકલા, સંગીત, પત્રકારત્વ, ગુજરાતી ફિલ્મ જેવા અનેક ક્ષેત્રોમાં એવોર્ડ્સ પ્રાપ્ત કરનારા મહાનુભાવોને અધ્યક્ષશ્રીએ અભિનંદન આપ્યા હતા.
દરેક ક્ષેત્રમાં સારું કાર્ય કરતા લોકોનું અનુકરણ કરી હજી વધુ લોકો આ દિશામાં કાર્યરત થાય તેવો અનુરોધ પણ અધ્યક્ષશ્રી કર્યો હતો.ગુજરાતમાં કલાકારો, સાહિત્યકારો, અને અન્ય ઘણા ક્ષેત્રોના લોકો દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યા છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં લોકસાહિત્ય કલાકાર ભીખુદાન ગઢવી, કલાકાર સંજય ગોરડિયા, અને યુવા વૈષ્ણવ આચાર્ય વ્રજરાજ કુમાર મહારાજજી ઉપસ્થિત રહ્યા હતા.