ગુજરાતના ૪૩ ટકા ખેડૂતો દેવાદાર છે : કોંગ્રેસનો દાવો
અમદાવાદ: મહારાષ્ટ્ર કોંગ્રેસ ગઠબંધન સરકાર એ ખેડૂતને આર્થિક પાયમાલીમાં રાહત આપવા માટે બે લાખ રૂપિયા જેટલું દેવું ખેડૂતોનું માફ કર્યું તેને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ માં સરકાર બનતાની સાથે જ ખેડૂતોને દેવા માફી નો અમલ કર્યો. અગાઉ કર્ણાટક અને પંજાબમાં પણ ખેડૂતોની દેવામાફી કરવામાં આવ્યા હતા. ભારત સરકારના આંકડા મુજબ ગુજરાતના ૪૩ ટકા ખેડૂતો દેવાદાર છે
ગુજરાતમાં ૫૮.૭૨ લાખ ખેડૂતો એટલે કે ૬૬.૯ ટકા ખેતી સાથે જોડાયેલા છે. ૩૯.૩૧ લાખ ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે. ભારત સરકારના એગ્રીકલ્ચર સ્ટેટેસ્ટિકસ મુજબ ૩૪.૯૪ લાખ ખેડૂતોએ રૂપિયા ૫૪,૨૩૭ કરોડની ટર્મલોન લીધી છે. રૂપિયા ૨૦,૪,૧૨ કરોડ ટ્રેક્ટર અને કૃષિ ઓજાર ખરીદી માટે અને ૨૯.૫૦ લાખ ખેડૂતોએ ૩૮,૮૦૪ કરોડ કૃષિ ધિરાણ લીધેલ છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને કુદરતનાં વારંવાર પ્રકોપને કારણે ગુજરાતનાં ખેડૂતો અને ખેતીની કમર તોડી નાંખી છે. ત્યારે છેલ્લા ૧૫ વર્ષમાં મોટા ઉદ્યોગોગૃહો, ઉદ્યોગપતિઓ અને વિશેષ લોકોને ૬ લાખ કરોડના વિવિધ લાભો લુટાવનાર ભાજપ સરકાર ગુજરાતના ખેડૂતોનાં દેવા માફી કેમ નથી કરતી?
ગુજરાતના ખેડૂતો અને ખેતીને બચાવવા માટે ૧૦૦ ટકા દેવા માફીની કોંગ્રેસ પક્ષની માંગ છે. કોંગ્રેસ પક્ષનાં તત્કાલીન વડાપ્રધાન ડા.મનમોહનસિંઘ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ સમગ્ર દેશનાં ખેડૂતોના ૭૨,૦૦૦ કરોડના દેવા માફી અસરકાર રીતે કરતા ખેડૂતો અને ખેતીને બચાવી શકવામાં મદદરૂપ થયા હતા. નથી સૂકા દુષ્કાળનો વીમો મળ્યો કે નથી દેવાના નાબુદીનો લાભ મળ્યો, નથી લીલા દુષ્કાળનું વળતર મળ્યું, નથી મળ્યું
કમોસમી વરસાદનું વળતર તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોને હક-અધિકાર-વળતર આપતી નથી. અને બીજી બાજુ ખાનગી વીમા કંપનીઓનાં હિતોનું રક્ષણ કરી રહી હોવાનો આક્ષેપ સાથે ગુજરાતનાં ખેડૂતોને દેવામાફી અને ૧૦૦ ટકા વિમા વળતર આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલાં ઓછો
વરસાદ ત્યારબાદ વધુ વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ખેત પેદાશોને સંપૂર્ણ નુકશાન થયું છે. સરકાર વારંવાર જુદા જુદા પેકેજ અને સર્વેની જાહેરાત કરે છે પણ ૮૦ દિવસ જેટલો સમય થયો છતાં ખેડૂતોને મળવાપાત્ર હક-અધિકાર નાણાં હજુ સુધી મળ્યા નથી.