ગુજરાતના ૬૦ સરહદી ગામોને મોબાઈલ સેવાથી આવરી લેવાશે

પ્રતિકાત્મક
અમદાવાદ, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ટપાલ વિભાગ અને દૂરસંચાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી સંચાર મંત્રાલયના પ્રગતિશીલ વિકાસ કાર્યો, ગુજરાતમાં ચાલી રહેલી આગામી વિકાસ પરિયોજનાઓ અને ગુજરાતની જનતાની મંત્રાલય પાસેથી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય સંચાર મંત્રીએ કહ્યું કે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ગૃહ રાજ્ય છે તેથી અહીના લોકોની આકાંક્ષા અને અપેક્ષા પણ વધુ હોય તે સ્વાભાવિક છે,ત્યારે તમામ વિભાગોને સાતત્ય પૂર્ણ સેવા પ્રદાન કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી એ જણાવ્યુ કે ગુજરાત એક સરહદી રાજ્ય છે.
જેથી ગુજરાત દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ્યુનિકેશન વિભાગે ગુજરાતના આવા ૬૦ ગામોની પસંદગી કરી હતી. આ ૬૦ ગામોને આવરી લેવા માટે રૂ.૪૧ કરોડના ખર્ચે ૫૦ નવા ટાવર લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૭ ગામોને આવરી લેવાયા છે.
બાકીના ૧૩ ગામોને જૂન – ૨૦૨૨ સુધીમાં મોબાઈલ કવરેજ મળશે. દેવુસિંહ ચૌહાણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંચાર મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે દેશના છ લાખ ગામડાઓમાં મોબાઈલ સેવા અને ફાઈબર ઉપલબ્ધ હોવા જાેઈએ. ગુજરાતના તમામ ૩૧૭ ગામડાઓ જે મોબાઈલ સેવાથી વંચિત છે તેમને પણ આ સુવિધા આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કુલ ૧૪,૬૨૨ ગ્રામ પંચાયતો છે. આ તમામ ગ્રામ પંચાયતોમાં ફાઈબર પહોંચાડવામાં આવ્યા છે.