ગુજરાતની આ નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો, ભાજપ પાસેથી છીનવી સત્તા
ગુજરાતમાં ભાજપનો જય જયકાર-૨૨૮ બેઠકોની ચૂંટણીમાં ૧૭૫ પર ભાજપનો કબજાે-ઓખા અને થરા ન.પામાં ભાજપ
અમદાવાદ, ગુજરાતમાં ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ ૨૨૮ બેઠકો પર યોજાયેલી બેઠકમાંથી ભાજપે ૧૭૫ બેઠકો પર કબજાે મેળવ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની કુલ ૭૬ ટકા બેઠકો જીતવામાં સફળતા મેળવી છે.
અત્રે નોંધનીય છે કે, ગાંધીનગર, ઓખા અને થરા નગરપાલિકા ભાજપે કબજે કર્યું છે. જાે કે ભાણવડ નગરપાલિકા પર કોંગ્રેસે કબજાે જમાવ્યો છે. ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા -તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.
ભાણવડ પાલિકા સુપરસીડ કરાયા બાદ અહીં મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત થઇ હતી. પાલિકાના 6 વોર્ડની 24 બેઠકો કબજે કરવા માટે ભાજપ તથા કોંગ્રેસે પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી. જો કે અહીં પરિણામ જાહેર થતા કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને 16 સીટો કબજે કરી હતી. કાર્યકરોમાં પરિણામ જાહેર થયા બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ભાજપ માત્ર 8 જ બેઠક જીતી શક્યું હતું. ભાણવડ પાલિકાની 6 વોર્ડની ચૂંટણીમાં 2 વોર્ડમાં કોંગ્રેસની સંપુર્ણ પેનલ વિજયી બની હતી. જ્યારે અન્ય ચાર વોર્ડોમાં પેનલો તુટી હતી.
કુલ ૨૨૮ બેઠકો પર યોજાયેલી ચૂંટણી પૈકી ભાજપે ૧૭૫ બેઠકો પર કબ્જાે જમાવ્યો હતો. ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ૪૪ બેઠકો પર સામાન્ય ચૂંટણી, જ્યારે અમદાવાદ મનપાની ૨ અને અને જૂનાગઢ મનપાની ૧ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી. મનપાની ૪૭ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાંથી ભાજપે ૪૩ બેઠકો પર કબજાે મેળવવામાં સફળતા મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે ફક્ત ૩ બેઠક અને આપના ફાળે ૧ જ બેઠક આવી હતી.
ગુજરાતમાં ઓખા, થરા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ઓખા અને થરા પાલિકામાં ભાજપની જ્યારે ભાણવડ પાલિકામાં કોંગ્રેસની જીત થઇ છે. ત્રણ પાલિકાની ૮૪ બેઠકોમાંથી ભાજપે ૬૨ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે ૨૨ પર જીત મેળવી છે.
બે નગરપાલિકાની સામાન્ય, એક નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી ઉપરાંત રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં પણ પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામો આજે જાહેર થયા હતા. રાજ્યની અલગ અલગ પાલિકાઓમાં ખાલી પડેલી ૪૫ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ૩૭ બેઠકો પર કબજે કરી છે. જ્યારે કોંગ્રેસના ફાળે ફક્ત ૩ બેઠકો અને અન્યના ફાળે ૫ બેઠકો આવી છે.
રાજ્યમાં ૭ જિલ્લા પંચાયતની ખાલી પડેલી ૮ બેઠકો પર પણ પેટા ચૂંટણી આયોજીત થઇ હતી. જેમાં આજે જાહેર થયેલા પરિણામમાં ૮ પૈકી ૫ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે ત્રણ કોંગ્રેસના ફાળે ગઇ હતી. જાે કે આપનો સંપુર્ણ સફાયો થઇ ગયો હતો. ગુજરાતની તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી ૪૪ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામો આજે જાહેર થતા ૨૮ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસના ફાળે ૧૩ અન્યના ફાળે ૩ બેઠકો ગઇ છે.
જૂનાગઢ મનપા વોર્ડ નંબર ૮ ખાલી પડેલ બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો અને ભાજપના ઉમેદવારની ડીપોઝીટ ગઈ હતી. બીજી તરફ વિસાવદર અને માણાવદર પાલીકાની એક એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જૂનાગઢ મનપા વોર્ડ ૮ માં એક બેઠકની ચૂંટણી માટે ત્રિપાંખીયો જંગ જાેવા મળ્યો હતો અને કોંગ્રેસ ઉમેદવાર રજાક હુશેન હાલા ૭૭૧ વોટની લીડથી ભવ્ય વિજય થયો હતો.
ભાજપ ના ઉમેદવાર અશ્વીનગીરી ગોસ્વામીને માત્ર ૬૩૮ મત મળતા ડીપોઝીટ ગુમાવાનો વારો આવ્યો હતો. જયારે વોર્ડ ૮ ની પેટા ચૂંટણી જંગમાં મૂળ એનસીપી પાસેથી કોંગ્રેસ બેઠક ઝૂંટવી લીધી હતી ત્યારે કોંગ્રેસમાં જીતેલા ઉમેદવાર રજાક હાલાને ફુલહાર પેહરાવી વિજય મનાવ્યો હતો.
બીજી તરફ જૂનાગઢ જીલ્લાના માણાવદર અને વિસાવદર પાલીકાની ખાલી પડેલ એક એક બેઠકની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના બંને ઉમેદવાર વિજય થયા હતા. વિસાવદર વોર્ડ ૧ માં ભાજપના કંચનબેન જેન્તીભાઈ ભુવા ૭ મતે વિજય થયા હતા અને માણાવદર પાલીકા વોર્ડ ૪ ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અશ્વીન મણવર ૧૧૫ મતે વિજય થયો હતો.
જીલ્લાની કુલ ત્રણ બેઠકની પેટા ચૂંટણીમાં બે ભાજપ અને એક કોંગ્રેસના ફાળે ગઈ હતી. થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૨૪ માંથી ૨૦ બેઠકો ઉપર વિજય મેળવતા થરા પાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસને ફક્ત ૪ બેઠકો જ મળતાં કોંગ્રેસની કારમી હાર થઈ છે.