ગુજરાતની એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પદમડુંગરી ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટઃ અહીં પ્લાસ્ટિકને છે ‘ના’
પદમડુંગરીને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે વન વિભાગનું સ્તુત્ય કદમ
અંબિકા નદીના પાણીને નેનો ટેકનોલોજીથી શુદ્ધ કરી ગ્લાસ બોટલમાં ટોકન દરે વેચાણ કરવામાં આવે છે ઃ ઈકોટુરિઝમનો મુખ્ય ઉદ્દેશ્ય પિકનિક નથી, પ્રકૃતિ શિક્ષણ છેઃ પરિક્ષેત્ર વન અધિકારી રૂચિ દવે
(માહિતી) રાજપીપલા, પ્લાસ્ટિક વેસ્ટથી વિશ્વ આખુ પીડાઈ રહ્યુ છે, ત્યારે પ્રજાજનોમાં આ વિષયે જાગૃતિ આવે, અને રોજિંદા જીવનકાર્યોમા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થાય તે દિશામા વ્યારા વન વિભાગ દ્વારા સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વ્યારા વનવિભાગ હસ્તકની ઉનાઈ રેન્જમાં આવેલા પદમડુંગરી ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે અહીં એક નવતર પ્રોજેક્ટ હાથ ધરાયો છે. પદમડુંગરી કેમ્પસાઈટના સંચાલકો સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધને ખૂબ ગંભીરતાથી લેતા, અહીંના પરિસરમાં પ્લાસ્ટિક સહિત પર્યાવરણને હાનિ પહોંચે તેવી ચીજવસ્તુઓ પ્રવેશે નહીં, તેની બારીકાઈથી દરકાર રાખી રહ્યું છે. અહીં પ્લાસ્ટિકને ‘ના’ છે.
વળી, વનવિભાગે એક નવતર પહેલ કરતાં કેમ્પ સાઈટ પરિસરમાં જ ‘અંબિકા ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ’ની સ્થાપના કરી છે. પ્લાન્ટનું સંચાલન ગામની સ્થાનિક મહિલાઓ સંભાળે છે.
અંબિકા વોટરનો ટ્રેડમાર્ક પણ લેવામાં આવ્યો છે. પદમડુંગરી ઈકો કેમ્પસાઈટ અંબિકા નદીના કિનારે આવેલું હોવાથી નદીના પાણીને સીધું પમ્પ કરી નેનો ટેકનોલોજીથી શુદ્ધ કરવામાં આવે છે, અને ગ્લાસ બોટલમાં પેકેજીંગ કરી ટોકન દરે વેચાણ કરવામાં આવે છે.
દુર્ભાગ્યે પ્લાસ્ટિક એ આજના યુગમાં આપણા જીવનનો એક ભાગ બની ગયુ છે, ત્યારે પ્લાસ્ટિકની અવેજીમાં સક્ષમ વિકલ્પોનો અભાવ એ પ્લાસ્ટિકમુક્તિના અભિયાનમાં સૌથી મોટી અડચણ છે. ઈકો ફ્રેન્ડલી વિકલ્પોના અભાવે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનુ લગભગ અશક્ય હોવાથી અહીંયા તેના ઉકેલ તરીકે કાચની પાણીની બોટલનો વિચાર અમલી બનાવવામા આવ્યો છે.
જેનાથી અહીં આવતા મુલાકાતીઓ પાસે પ્લાસ્ટિકની બોટલનો વ્યવહારૂ વિકલ્પ ઉપલબ્ધ થઈ શક્યો છે. જેથી કેમ્પમાં આવતાં મુલાકાતી-પ્રવાસીઓને પ્લાસ્ટિક બોટલના સ્થાને કાચની બોટલમાં પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે છે.
પ્લાસ્ટિકમુક્ત પરિસર બનાવવાના વિચારને વહેતો મૂકનાર,
ઉત્સાહી અને કર્મઠ પરિક્ષેત્ર વન અધિકારી શ્રીમતી રૂચિ દવે જણાવે છે કે, ઈકોટુરિઝમ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય પિકનિક નહીં, પણ લોકોને આપણાં જળ-જંગલ અને જમીન પ્રત્યે સંવેદનશીલ બનવવાનો છે, અને પ્રકૃતિ શિક્ષણ થકી લોકો તેની રક્ષા કરે તે સમજાવવાનો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી જનજાગૃત્તિ અને પ્રકૃત્તિ શિક્ષણ તરફનો અમારો નાનકડો પ્રયાસ છે અને લોકોએ તેને ઉમળકાભેર આવકાર્યો છે. પરિવહન સાથે સંલગ્ન કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પણ આ પહેલ ઉપયોગી બનશે એમ આ વન અધિકારીએ ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, કાયદાકીય રીતે વન વિસ્તારમાં પ્લાસ્ટિક ફેંકવું ગુનો બને છે, અને આ પ્લાસ્ટિક આપણા જળ-જંગલ-જમીનને વર્ષો સુધી નુકસાન કરે છે. આ પ્લાસ્ટિક વેસ્ટ તેમજ ગંદકીને કાયમી બંધ કરવાના ભાગરૂપે પદમડુંગરી ઈકોટુરિઝમ સેન્ટરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના લાવવા અને વપરાશ પર પૂર્ણતઃ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પદમડુંગરી સેન્ટરમાં પ્રવાસીઓ પ્લાસ્ટિક લાવે નહીં તે માટે ટિકિટ બારી પાસે જ ‘પ્લાસ્ટિક ચેકીંગ પોસ્ટ’ ઉભી કરવામાં આવી છે.
સૌ પ્રથમ પ્રવાસીઓનો સામાન ચેક કરવામાં આવે છે અને ખાતરી કરવામાં આવે છે કે, તેમના સામાનમાં કોઈ પ્લાસ્ટિકની આઈટમ નથી અને ત્યાર પછી જ તેમને પ્રવેશ ટિકિટ આપવામાં આવે છે. જાે પ્રવાસીઓ પાસે પ્લાસ્ટિકનો સામાન હોય તો, તેમને વિનંતી કરવામાં આવે છે કે, તે સામાન તેઓ ગાડીમાં મૂકી દે.
મુલાકાતીઓ અહીંથી પ્રકૃતિ શિક્ષણનાં પાઠ ભણીને જશે તેવી અમને અપેક્ષા છે. આ પ્રયોગની સફળતા બાદ હવે વ્યારા વનવિભાગ નીચે આવતી અન્ય ઈકોટુરિઝમ કેમ્પસાઈટ પર પણ આ પહેલનો અમલ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
વ્યારા વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી આનંદ કુમારે ‘અંબિકા વોટર’ ની સફળતા અંગે જણાવ્યું હતું કે, બોટલિંગ પ્લાન્ટમાં નદીના કુદરતી ખનિજ-સમૃદ્ધ પાણીને ફિલ્ટર અને ટ્રીટમેન્ટ સાથે અલગ અલગ ભૌતિક, રાસાયણિક અને જૈવિક શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવે છે, સાથોસાથ પાણીમાં તુલસી, ફુદીનો, આદુ અને વરિયાળી જેવા હર્બલ અર્કની થોડી માત્રા ઉમેરવામાં આવે છે, જેનાથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. પેકેજીંગ પૂર્વે બોટલોને સારી રીતે સાફ અને સેનિટાઈઝ પણ કરવામા આવે છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
શ્રી આનંદકુમારે આ પ્લાન્ટની વિશેષતા અંગે કહ્યું કે, મશીન ચલાવવાથી માંડીને પેકેજ્ડ પાણીના વિતરણ સુધીની પ્રક્રિયાના તમામ કાર્યોમા સ્થાનિકો અને ખાસ કરીને આદિજાતિ મહિલાઓને નિયંત્રણ સોંપાયુ છે. જે સ્થાનિક સહભાગિતાને સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક જનસમુદાય માટે આજીવિકાનો એક ઉમદા સ્ત્રોત પણ બન્યો છે.
કાચની બોટલોના વપરાશનો અર્થ એ કે હવે અહીં પ્લાસ્ટિકના ઉપયોગની કોઈ જરૂરિયાત નથી. પર્યાવરણને અનુકૂળ વિકલ્પ હોવા ઉપરાંત કાચની બોટલો ફરીથી વાપરી શકાય છે, અને પેકેજ્ડ પાણીને માઈક્રો પ્લાસ્ટિક, મ્ઁછ અને ઝેરથી દૂષિત પણ કરતી નથી.
શ્રી આનંદ કુમારે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે જણાવ્યું કે, આ પ્લાન્ટની દરેક કાચની બોટલો પર એક અનોખો ઊઇ કોડ છપાયેલો છે. જેનાથી મશીનને એ ખબર પડે છે કે બોટલો ક્યારે ભરવાની છે. મશીન ફક્ત ત્યારે જ બોટલો ભરે છે, જ્યારે સંબંધિત ઊઇ કોડ સૂચવે કે બોટલ યોગ્ય રીતે સાફ કરી તેને જંતુરહિત કરવામા આવી છે.