ગુજરાતની ચૂંટણી પહેલા થઈ શકે છે મોટી ઉથલ-પાથલ
નવી દિલ્હી, પાંચ રાજ્યોમાં કારમી હાર પછી પાર્ટીમાં ઘમાસાણ મચ્યું છે. જી-૨૩ ગ્રુપના નેતા સતત પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને સવાલ ઊભા કરી રહ્યા છે. તો હવે ગુજરાત કોંગ્રેસની અંદર પણ ભંગાણ પડવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણની આશંકા વ્યક્ત કરી છે. લોઢાએ એક ટિ્વટ કરતા લખ્યું કે, ભાજપ કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો પર નજર રાખીને બેઠો છે. ગુજરાતમાં પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય તેમજ મુખ્યમત્રીના સલાહકાર સંયમ લોઢાએ ટ્વીટમાં લખ્યું કે, ‘ભાજપ કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો પર નજર રાખીને બેઠો છે. સ્વસ્થ રહો, સતર્ક રહો.’ લોઢાએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે. સંયમ લોઢાએ કહ્યું કે, તમણે આ વાત ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માને પણ જણાવી છે.
ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે ઘણી રીતે ખાસ છે. પાંચ રાજ્યોમાં હાર પછી કોંગ્રેસ પર સારું પ્રદર્શન કરવાનું દબાણ છે અને એવા સમયમાં ચૂંટણી પહેલા પાર્ટીના ધારાસભ્ય તૂટશે તો તેની ખરાબ અસર પડશે. સંયમ લોઢાએ જે આશંકા વ્યક્ત કરી છે, તેને લઈને રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા છે. ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને સારી એવી ટક્કર આપી હતી, પરંતુ જીત ભાજપની થઈ.
ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ એ વખતે પણ પડ્યું હતું કે, જ્યારે ૨૦૨૦માં રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. એ બધા ભાજપમાં સામેલ થઈ ગયા હતા. કેટલાક દિવસ પહેલા પાર્ટીના કેટલાક પૂર્વ ધારાસભ્ય પણ ભાજપમાં સામેલ થયા.
ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીમાં ૧૮૨ બેઠકોની વિધાનસભામાં ૭૭ બેઠક જીતનારી કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઓછી થઈને ૬૫ રહી ગઈ છે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસને ભાજપની સાથે જ આમ આદમી પાર્ટીનો પણ મુકાબલો કરવાનો છે. પંજાબમાં શાનદાર જીત પછી આમ આદમી પાર્ટીનો ઉત્સાહ ઘણો વધ્યો છે અને તેણે અત્યારથી જ ગુજરાત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આમ આદમી પાર્ટી ભાજપની સામે પોતાને એક વિકલ્પ તરીકે રજૂ કરી રહી છે. કોંગ્રેસ માટે ગુજરાતમાં આ વખતે બેવડો પડકાર છે એમ કહેવું ખોટું નહીં હોય. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ કહ્યું કે, અહમદ પટેલના નિધન પછી કોંગ્રેસમાં એવો કોઈ નેતા નથી, જે પાર્ટીના ટોચના નેતૃત્વનું માર્ગદર્શન કરી સખે અને તેનું પરિણામ પાર્ટીને ભોગવવું પડી રહ્યું છે.
ગત દિવસોમાં દિલ્હીમાં કોંગ્રેસના અતંષ્ટ મનાતા જી-૨૩ જૂથના નેતાઓની બેઠકમાં વાઘેલા સામેલ થયા હતા અને એ પછી તેમણે આ વાત કરી હતી. તેમણે તો ઉત્તર પ્રદેશની જવાબદારી પ્રિયંકા ગાંધી વાડેરાને સોંપવાની બાબતને પોલિટિકલ મિસફાયર પણ કહ્યું હતું.SSS