Western Times News

Gujarati News

ગુજરાતની મુલાકાતે વર્લ્ડ બેંકના ‘ગ્લોબલ એજ્યુકેશન ડાયરેક્ટર’

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) હાઇમે સાવેદરા દક્ષિણ અમેરિકન દેશ પેરૂના શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે અને હાલમાં વર્લ્‌ડ બેન્કના ગ્લોબલ એજ્યુકેશન ડાઇરેક્ટર છે. તેઓ ગુજરાતનાં શાળા શિક્ષણ ક્ષેત્રે રુ. ૧૦,૦૦૦ કરોડના ખર્ચે ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ દ્વારા થઈ રહેલા આમૂલ પરિવર્તન

અને કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર મારફતે થઈ રહેલા ડેટા આધારિત ઈનીશીએટિવ્સથી પ્રભાવિત થઈને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનો અને શૈક્ષણિક સુધારાઓનાં ગુજરાત મોડેલનો જાતે અભ્યાસ કરી તેને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ જાહેર કરવા માટે આજે રાજ્યની મુલાકાતે આવ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે નવા નવા શૈક્ષણિક સુધારાઓ અમલમાં મૂકી રાજ્યના શૈક્ષણિક સ્તરને સુધારવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. સ્કૂલિંગ સુનિશ્ચિત કર્યા બાદ દરેક બાળકનું લર્નિંગ પણ સુનિશ્ચિત કરવાના ધ્યેયથી શ્રેણીબધ્ધ શૈક્ષણિક ગુણવત્તા સુધારણાના પગલાઓ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

શાળાઓને સ્પર્ધાત્મક તથા માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવામાં આવે અને બાળકોને શૈક્ષણિક સગવડો, ભૌતિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, સ્ટેમ લેબ, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ સહિતનું આકર્ષક શાળા સંકૂલ મળી રહે તો શૈક્ષણિક ગુણવત્તામાં મહત્તમ સુધારા થઈ શકે છે. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય

તે હેતુથી રાજ્યમાં આવનારા પાંચ વર્ષમાં આશરે રૂ.૧૦,૦૦૦ કરોડના ખર્ચે ‘‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ” હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્કુલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટથી આવનારા પાંચ વર્ષોમાં તમામ ૩૫,૧૩૩ સરકારી શાળાઓ અને ૫,૮૪૭ ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ મળી કુલ આશરે ૪૧,૦૦૦ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓને મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ લાભાન્વિત કરવામાં આવશે.

આ શાળાઓ પૈકી ૨૦,૦૦૦ શાળાઓને ઉત્કૃષ્ટ બનાવવા વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પુરી પાડવામાં આવશે. આ શાળાઓમાં આવતા પાંચ વર્ષોમાં કુલ પ૦,૦૦૦ નવા વર્ગખંડોનું નિર્માણ, ૧,પ૦,૦૦૦ વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા, ર૦,૦૦૦ નવી કમ્પ્યુટર લેબ, પ,૦૦૦ સ્ટેમ લેબ / ટીંકરીંગ લેબ વિગેરે પુરુ પાડવાનું લક્ષ્ય છે.

જેના થકી આવતા પાંચ વર્ષમાં આશરે રાજ્યના ૧ કરોડ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. રાજ્યના આ અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ વર્લ્‌ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (ADB) દ્વારા ૧ (એક) બિલિયન યુ.એસ. ડોલર એટલે કે લગભગ રૂ.૭,૫૦૦ કરોડનું ધીરાણ મંજૂર કરવામાં આવ્યું છે. વર્લ્‌ડ બેંક દ્વારા શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું ફંડિંગ ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ માટે કરવામાં આવ્યું છે.

તેમજ એશિયન ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક સમગ્ર વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમવાર આ પ્રકારનો પ્રોજેક્ટ ગુજરાતના શિક્ષણ વિભાગ સાથે કરી રહી છે. સમગ્ર દેશમાં શાળાકીય શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટેનો આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે.

આગામી ૫ થી ૬ વર્ષના સમયમાં આ પ્રોજેક્ટના કારણે અંદાજે રાજ્યના એક કરોડથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને આવનારી પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે મદદરૂપ બનશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ રાજ્ય મંત્રી કુબેર ડિંડોર, વર્લ્‌ડ બેંકના ભારત સ્થિત પ્રતિનિધિ શબનમ સિન્હા, શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવ, સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ નિયામક રતનકુંવર ગઢવીચારણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.