ગુજરાતની વસતી ૨૦૨૧માં વધી ૬.૬૧ કરોડને પાર જશે
અમદાવાદ: આગામી વર્ષ ૨૦૨૧માં ગુજરાત રાજયની કુલ વસતી વધીને ૬.૬૧ કરોડને પાર થઇ જવાની શકયતા છે. પોપ્યુલેશન પ્રોજેક્શન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આ મહત્વપૂર્ણ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં ૩.૫૦ કરોડ પુરૂષો, જ્યારે ૩.૧૧ કરોડ મહિલાઓ હશે. જા કે, ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે રાજ્યમાં ૩.૧૦ કરોડ પુરૂષ અને ૨.૮૦ કરોડ મહિલાઓ હતી. ૨૦૧૧માં રાજયની કુલ વસતી ૫.૯૦ કરોડ હતી
જે ૨૦૨૧માં વધીને ૬.૬૧ કરોડ પહોંચી જવાનો અંદાજ છે. એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં વસતીમાં ૭૦ લાખનો વધારો થઇ શકે છે. તો, આગામી ૨૦૨૬ના વર્ષ સુધીમાં ગુજરાતની વસતી ૭ કરોડના આંકને વટાવી જશે તેવો અંદાજ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે., જેને પગલે રાજયમાં વધી રહેલી વસતીને લઇ સરકાર સહિતના સત્તાવાળાઓ પણ આ સંવેદનશીલ મુદ્દા પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવા મજબૂર બન્યા છે. રિપોર્ટમાં અંદાજવામાં આવેલી વિગતો મુજબ, આગામી ૨૦૨૧માં ગુજરાતની કુલ વસતીના ૫૭,૧૬,૦૦૦ ૨૫થી ૨૯ વર્ષની વયના યુવાન હશે. જ્યારે ૨૦થી ૨૪ વર્ષના ૫૫,૭૬,૦૦૦ યુવાનો હશે.
જ્યારે ૦થી ૪ વર્ષની ઉમરના બાળકોની સંખ્યા ૪૭,૩૧,૦૦૦ હશે. આ ઉપરાંત ગુજરાતમાં ૨૦૨૧માં ૮૦ વર્ષથી વધુ વયના ૮,૩૯,૦૦૦ વડીલો હશે. જેમાં ૩,૩૨,૦૦૦ પુરૂષો અને ૫,૦૭,૦૦૦ મહિલાઓ હશે. જ્યારે ૬૦થી ૬૪ વર્ષની વયના ૨૬,૩૭,૦૦૦ આધેડ હશે. જેમાં ૧૩,૪૨,૦૦૦ પુરુષો અને ૧૨,૯૫,૦૦૦ મહિલાઓ હશે. જા ૨૦૨૧ના વર્ષમાં ગુજરાતમાં બાળકો અને કિશોરોની સંખ્યા જોવામાં આવે તો ૫થી ૧૮ વર્ષની વયના કુલ ૧,૪૫,૨૯,૦૦૦ જેમાં ૭૯,૬૫,૦૦૦ કિશોર જ્યારે ૬૫,૬૪,૦૦૦ કિશોરીઓ હશે. ૫થી ૧૮ વર્ષની વયના બાળકોની સંખ્યા પૈકી ૫ વર્ષની વયના કુલ ૯,૮૭,૦૦૦ બાળકો જ્યારે ૧૮ વર્ષની વયના ૧૦,૮૬,૦૦૦ યુવાનો હશે. ૨૦૨૧થી ૨૦૨૫ના વર્ષમાં ગુજરાતની પ્રજાની મૃત્યુની વયમર્યાદા આશરે પુરૂષો માટે ૭૧.૯ વર્ષ અને મહિલાઓ માટે ૭૪.૯ વર્ષ આંકવામાં આવી છે.
રાજ્યનો વસતી વધારાનો દર ૨૦૦૧થી ૨૦૦૫માં ૧.૬ ટકા હતો. ૨૦૦૬થી ૨૦૧૦માં ૧.૪ ટકા અને ૨૦૧૧થી ૨૦૧૫માં ૧.૩ ટકા જ્યારે ૨૦૧૬થી ૨૦૨૦માં ૧.૦ ટકા અને આગામી ૨૦૨૧થી ૨૦૨૫માં ગુજરાતનો વસતી વધારા દર ઘટીને ૦.૯ ટકા થવાનો અંદાજ છે. રિપોર્ટના મહત્વના તારણોને લઇ સરકાર સહિતના સત્તાવાળાઓએ પણ હવે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.