Western Times News

Gujarati News

ગુજરાતની વિજયકૂચ પર બ્રેક, હૈદ્રાબાદનો ૮ વિકેટે વિજય

નવી દિલ્હી, સુકાની કેન વિલિયમ્સનની શાનદાર અડધી સદી તથા અભિષેક શર્મા અને નિકોલસ પૂરનની આક્રમક બેટિંગની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં ગુજરાત ટાઈટન્સની વિજયકૂચ પર બ્રેક લગાવી છે.

આઈપીએલ-૨૦૨૨માં સોમવારે રમાયેલી મેચમાં હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત સામે આઠ વિકેટે વિજય નોંધાવ્યો હતો. હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટાઈટન્સ ટીમનો આ પ્રથમ પરાજય છે.

હૈદરાબાદે ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. સુકાની હાર્દિક પંડ્યાની આક્રમક અડધી સદીની મદદથી ગુજરાતે નિર્ધારીત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૬૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો.

જેના જવાબમાં હૈદરાબાદે ૧૯.૧ ઓવરમાં બે વિકેટે ૧૬૮ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ૧૬૩ રનના લક્ષ્યાંકના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી.

અભિષેક શર્મા અને સુકાની કેન વિલિયમ્સનની ઓપનિંગ જાેડીએ ટીમને અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી હતી. આ જાેડીએ ૮.૫ ઓવરમાં ૬૪ રનની ભાગીદારી નોંધાવી હતી. જાેકે, સેટ થઈ ગયા બાદ અભિષેક આઉટ થઈ ગયો હતો.

રાશિદ ખાને અભિષેકને આઉટ કરીને ગુજરાતને મોટી સફળતા અપાવી હતી. તેણે ૩૨ બોલમાં છ ચોગ્ગાની મદદથી ૪૨ રન ફટકાર્યા હતા.

જાેકે, સુકાની કેન વિલિયમ્સને કોઈ પણ જાતનું જાેખમ ઉઠાવ્યા વગર લાજવાબ અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. કેન વિલિયમ્સને ૪૬ બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૫૭ રનની ઈનિંગ્સ રમી હતી. બાદમાં બાકીનું કામ વિકેટકીપર બેટર નિકોલસ પૂરનની આક્રમક બેટિંગે પૂરું કર્યું હતું.

પૂરને ૧૮ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી અણનમ ૩૪ રન ફટકાર્યા હતા જ્યારે એઈડન માર્કરામે આઠ બોલમાં અણનમ ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત માટે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાતની શરૂઆત નિરાશાજનક રહી હતી. મેથ્યુ વેડે આક્રમક અંદાજમાં શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. તેણે સાથી ઓપનર શુભમન ગિલ સાથે મળીને ૨૪ રનની ભાગીદારી નોંધાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.