ગુજરાતની સરકારી શાળાની શિક્ષિકાએ વિદ્યાર્થીઓને એવા આવકાર્યા કે ખાનગી શાળાઓ પણ ઝાંખી પડી જાય
(પ્રતિનિધિ) બાયડ, જો શિક્ષક ધારે તો સરકારી શાળામાં પણ ખાનગી શાળા જેટલું જ સારુ શિક્ષણ અને તેવું જ વાતાવરણ પણ ઉભું કરી શકે છે. જેનું ઉદાહરણ ઉત્તર ગુજરાતના ધનસુરા તાલુકાની એક સરકારી શાળામાં શિક્ષિકા ભાવના બેન પટેલે પુરુ પાડ્યું છે અને વિદ્યાર્થીઓને અનોખી રીતે શાળામાં આવકારી રહ્યાં છે.ધનસુરા તાલુકાના કેનપુર કંપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભાવના બેન પટેલ શાળામાં આવનાર વિદ્યાર્થીઓ માટે બ્લેક બોર્ડ પર શિક્ષક પ્રત્યેની અભિવ્યક્તિ કરવાની અલગ-અલગ કૃતિઓ દોરી તેમના ધો-૩ અને ધો-૪ વર્ગ ખંડમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી જે કૃતિ પર હાથ મૂકે તે પ્રકારની લાગણીની અભિવ્યક્તિ શિક્ષિકા પ્રત્યે વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
આ અંગે કેનપુર પ્રાથિમક શાળામાં ફરજ બજાવતા ભાવનાબેન પટેલ સાથે મેરાન્યૂઝના પ્રતિનિધિએ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૭ થી ૮ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે વિદેશની શાળાની શિક્ષિકાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ક્લાસરૂમમાં વિવિધ કૃતિઓ દોરેલી હતી અને ક્લાસરૂમમાં પ્રવેશ કરતા બાળકો બુરખો પહેરેલી ક્લાસ ટીચર સાથે ક્લાસરૂમમાં દોરેલી કૃતિને સ્પર્શ કરી બાળકો શિક્ષિકા સાથે તે પ્રકારની લાગણીની અભિવ્યક્તિ કરતા હતા. આ વિડિયો જોઈ આપણે પણ આપણી શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકો સાથે એવો અભિગમ અપનાવવો જોઈએ તે ઉદ્દેશ સાથે નવતર પ્રયોગ હાથધાર્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળાઓમાં ગરીબ બાળકો જ મુખ્યત્વે અભ્યાસ અર્થે આવતા હોવાથી અને બાળકો અભ્યાસથી વિમુખ ના રહે તે માટે વર્ગખંડ બ્લેકબોર્ડ પર હગ કરતી,હાથ મિલાવતી,હોઠની અને હાઈફાઈ કરતી કૃતિઓ દોરી વર્ગખંડમાં આવતા બાળકો જે ચિત્રને સ્પર્શે તેવી લાગણી વ્યક્ત કરી શકતા હોવાનું જણાવ્યું હતું. રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળવાની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષિકાની વિદ્યાર્થીઓને વર્ગખંડમાં આવકારવાની અનોખી પહેલને ગ્રામજનો આવકારી રહ્યા છે.*