ગુજરાતની ૩૮ નગરપાલિકાઓને રૂ. ૧પ કરોડના અદ્યતન ફાયર ફાઇટર્સ વ્હીકલ અર્પણ કરતા મુખ્યમંત્રી
શહેરી વિકાસ વિભાગે ૧૬ અલ્ટ્રા હાઇપ્રેશર મિની ફાયર ટેન્ડર-રર પીક અપ વીથ ફોમ ટ્રોલી-૭ રેપિડ રિસપોન્સ વ્હીકલ નગરપાલીકાઓને આપ્યા
શ્રી વિજયભાઇ રૂપાણી આગ લાગવાના કિસ્સામાં માલ-મિલકતોને ઓછામાં ઓછું નુકશાન-ઓછામાં ઓછી જાનહાનિ થાય તેવી સજ્જતા સાથે અદ્યતન ફાયર સેફટી સુવિધાઓથી રાજ્ય સરકાર સજ્જ :રાજ્યમાં પહેલીવાર પાંચ રિજીયોનલ ફાયર ઓફિસ વડોદરા-સુરત-રાજકોટ-ગાંધીધામ-ગાંધીનગરમાં કાર્યરત કરાઇ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૩૮ નગરપાલિકાઓ માટે ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે નવા વસાવાયેલા મીની ફાયર ટેન્ડર અને પીક અપ વીથ ફોમ ટ્રોલી ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા.
રાજ્યના શહેરી વિકાસ વિભાગે રૂ. ૧પ કરોડ ૪ર લાખના ખર્ચે અગ્નિશમન સેવા માટે ૪પ વાહનોની ખરીદી કરી છે તે વાહનો નગરોના નાગરિકો-જનસામાન્યની સુવિધા સલામતિ માટે મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાઓને અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ વાહનોને સંબંધિત નગરપાલિકાઓમાં સેવા અર્થે જવા પ્રસ્થાન કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં આગજનીના કિસ્સાઓમાં માલ-મિલ્કતને ઓછામાં ઓછું નુકશાન અને ઓછી જાનહાનિ થાય તેવી અદ્યતન સુસજ્જ ફાયર સેફટી સેવાઓ માટે નગરોને ફાયર ફાઇટર્સ સહિતના સાધનો રાજ્ય સરકારે આપ્યા છે.
રાજ્યના નગરો-મહાનગરોમાં ફાયર સ્ટેશન્સમાં આધુનિક સાધનો વસાવવા માટે આ વર્ષના બજેટમાં ૧૦૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે પ્રથમવાર રાજ્યમાં પ્રાદેશિક કક્ષાએ રિજીયોનલ ફાયર ઓફિસરની પાંચ જગ્યાઓ નવી ઊભી કરી છે. આના પરિણામે, નગરો-મહાનગરોમાં આગ લાગવાની દુર્ઘટના સમયે તત્કાલ બચાવ-રાહત કામગીરી ત્વરાએ શરૂ કરવામાં રિજીયોનલ ફાયર ઓફિસર્સની તજ્જ્ઞતાનો લાભ મળી શકે છે.
તેમણે આ વાહનો સાથોસાથ વડોદરા, રાજકોટ, ગાંધીધામ, સુરત અને ગાંધીનગરની રિજીયનલ ફાયર ઓફિસ તેમજ અગ્નિ સુરક્ષા તાલીમ સંસ્થા માટે રૂ. ૧ કરોડ રપ લાખના ૭ રેપીડ રિસ્પોન્સ વ્હીકલ્સ પણ અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં આ કાર્યક્રમ સાદગી પૂર્ણ રીતે સંપન્ન કરીને નગરપાલિકાઓને ફાયર ફાઇટર્સ, વ્હીકલ્સ ફાળવી દેવાયા છે જેથી જરૂરિયાતના સમયે કામગીરી અટકી પડે નહિ.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જે ૧૬ નગરપાલિકાઓને અલ્ટ્રા હાઇપ્રેશર મિની ફાયર ટેન્ડર અર્પણ કર્યા છે તેમાં બોરીયાવી, શહેરા, કનકપુર-કંસાડ, સચિન, કડોદરા, પેથાપુર, ઠાસરા, મહુધા, કઠલાલ, વિસનગર, ખેરાલુ, ભાયાવદર, વંથલી, દામનગર, હળવદ અને તલાલાનો સમાવેશ થાય છે.
જે રર નગરપાલિકાઓને પીક અપ વીથ ફોમ ટ્રોલી ફાળવવામાં આવી છે તેમાં ધોળકા, નડીયાદ, હિંમતનગર, મહેસાણા, મોડાસા, બોટાદ, આણંદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, બારડોલી, ભરૂચ, નવસારી, વ્યારા, વલસાડ, ખંભાળીયા, અમરેલી, પોરબંદર, મોરબી, વેરાવળ અને ભુજ નગરપાલિકાઓને આ વાહન ફાળવાયા છે.
આ અવસરે શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, કમિશનર ઓફ મ્યુનિસીપાલિટીઝ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, સચિવ શ્રી લોચન શહેરા તથા GMFBના CEO શ્રી પટની અને નગરપાલિકાના પ્રમુખ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.