Western Times News

Gujarati News

ગુજરાતની 32000 કરતાં વધુ સરકારી શાળાઓ અને 4.5 લાખથી વધુ શિક્ષકો ભારતના નિર્માણમાં અથાક પ્રયત્નો કરી રહ્યાં છે

૧૭મો શાળા પ્રવેશોત્સવઃ ત્રીજો અને અંતિમ દિવસ વડાપ્રધાનશ્રીની દૂરંદેશીના આજે પરિણામ મળી રહ્યાં છે  : સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર

દહેગામ તાલુકાના અંતોલી, મેઘરજના મુવાડા, ખાપરેશ્વર,  નંદાજીની મુવાડી, લહેરીપુરા અને પીંપલજના વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

રાજ્યભરમાં ચાલી રહેલા ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ત્રીજા અને અંતિમ દિવસે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાના ગામોમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન જણાવ્યું હતું કે,

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૭ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમ આજે સફળ સાબિત થયો છે. આજે ગુજરાતે શાળાના નામાંકનમાં ૧૦૦ ટકા સફળતા મેળવી છે અને ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટીને માત્ર ૩ ટકા જ રહ્યો છે, જે વડાપ્રધાનશ્રીની દૂરંદેશીનું જ પરિણામ છે. ગુજરાતની ૩૨,૦૦૦ કરતાં વધુ સરકારી શાળાઓ અને સાડા ચાર લાખથી વધુ શિક્ષકો આજે સુશિક્ષિત ભારતના નિર્માણમાં અથાક પ્રયત્નો કરી રહ્યાં છે.

મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાના વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓમાં મળીને કુલ ૧૦૪ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. જેમાં અંતોલી ગામના ૨૯, મેઘરજના મુવાડાના ૧૪, ખાપરેશ્વરના ૧૩, નંદાજીની મુવાડીના ૪, લહેરીપુરાના ૯ અને પીંપલજના ૩૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

મંત્રીશ્રીએ અંતિમ દિવસના કાર્યક્રમની નોંધ લેતા કહ્યું હતું કે પ્રવેશ મેળવાના૨ આ ૧૦૪ વિદ્યાર્થીઓ પૈકી ૫૧ કુમાર અને ૫૩ કન્યાઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જે કન્યા કેળવણીનું પ્રમાણ વધ્યું હોવાનું દર્શાવે છે.

મંત્રીશ્રીએ બાળકો અને વાલીઓ સાથે સીધા સંવાદમાં જણાવ્યું કે, શિક્ષણ એ બાળકના જીવન ઘડતરની કેડીનું પ્રથમ કદમ છે, જે બાળકના ભવિષ્ય નિર્માણમાં મજબૂત ભાગ ભજવે છે.

શિક્ષણની સાથે સાથે સામાજિક-આર્થિક સુખાકારી માટેની સરકારની અન્ય પ્રજાલક્ષી યોજનાઓ જેવી કે, સુક્ન્યા સમૃદ્ધિ યોજના, પીએમ જન આરોગ્ય યોજના, ઈ-શ્રમ કાર્ડ, વગેરેનો ગ્રામ પંચાયત અને ડિજીટલ ગુજરાતના માધ્યમથી ઘરે બેઠા જ લાભ લેવા માટે અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ, શાળાના આચાર્યો અને શિક્ષકગણ સહિત સંબંધિત પંચાયતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.