ગુજરાતનું એકમાત્ર ઈકો ફ્રેન્ડલી પોલિસ સ્ટેશનઃ બિનઉપયોગી વસ્તુઓમાં ઉગાડ્યા છોડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Dwarka.jpg)
દ્વારકાના પોલિસ સ્ટેશનમાં તૂટેલા પાઇપ, બિન ઉપયોગી બેરલ તમામનો ઉપયોગ કરી અહીં અનેક વૃક્ષો ઉગાડ્યા અને તમામ ઉછરી ગયા
(એજન્સી) દ્વારકા, પોલીસ સ્ટેશનની વાત આવે ત્યારે આપણી સામે એક ડરમાંણું ચિત્ર જ દેખાતું હોઈ છે. પરંતુ તે વાતથી તદ્દન વિપરીત ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છે. આ વાત તમામ પોલીસ સ્ટેશનથી અલગ જ છે.
ખંભાળીયા આર.પી. આઇ.પોલીસ કચેરીનું કામ જાેઈએ તો, જિલ્લાના તમામ પોલિસ સ્ટાફને વેપન પુરા પાડવાનું કે જરૂરી તમામ વસ્તુઓ બેરીકેટ, કાર્ટીઝ, વાહનોના હથિયારો સહિતની તમામ વસ્તુઓ અહીંથી સપ્લાય થતી હોય છે. અહીં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આશા વદર પર્યાવરણ પ્રેમી છે.
તેમને વિચાર આવ્યો કે, કચેરીની બહાર વૃક્ષ વાવવાનો, પરંતુ પથરાળ જમીન હોઈ તે શક્ય ન હતું એટલે તેમણે વાહનોના વેસ્ટેજ ટાયરોમાં માટી ભરી શરૂઆત કરી અને ત્યાર બાદનો વેસ્ટ ટાયરો, તૂટેલા પાઇપ, તૂટેલા બિન ઉપયોગી બેરલ તમામનો ઉપયોગ કરી અહીં અનેક વૃક્ષો ઉગાડ્યા અને તમામ ઉછરી પણ ગયા.
ત્યારે તેમને વિચાર આવ્યો કે, પક્ષી વગરના વૃક્ષો શું કામના એટલે તેમણે વેપનના ખાલી બોક્સ તેમજ બિન ઉપયોગી લાકડાનો ઉપયોગ કરી ૧૦૦ જેટલા માળાઓ એક દીવાલ પર લગાવ્યા. જ્યાં હાલ ૩૦૦થી વધુ પક્ષીઓ વસવાટ કરે છે એટલું જ નહીં બેસવા માટેની ખુરશી પણ વેસ્ટ ટાયરમાંથી બની છે.
તો કોફી ટેબલ પણ અહીં વેસ્ટ ટાયર માંથી જ બનાવેલ છે. જેના કારણે, સમગ્ર આર.પી.આઇ.પોલીસ કચેરીનું વાતાવરણ ખુબજ શુદ્ધ અને પક્ષીઓના કલકલાટ સાથે આહલાદક લાગે છે.
આટલું ખુબ જ સરસ પોલીસ સ્ટેશન બનાવવા માટે કોઈ કારીગરને બોલાવવામાં નથી આવ્યા આ તમામ કામગીરી દ્વારકા પોલીસના જવાનો એ કરી છે. એટલે જ કહી શકાય કે, એક એવું પોલીસ સ્ટેશન છે જે તમામ પોલીસ સ્ટેશનથી અલગ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રકૃતિના પર્યાયઃ પોલીસ સબ ઈન્સપેક્ટર આશાબેન વદરે, છેલ્લા બે વર્ષમાં રિઝર્વ પોલીસ સ્ટેશન અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળીયામાં ૧૫૦૦ થી પણ વધુ વૃક્ષોનું કર્યુ જતન કરી રહ્યા છે.