ગુજરાતનું એક એવું ગામ જ્યાં રાત્રે પણ રસીકરણ થાય છે

હારીજ તાલુકાના જાસ્કા ગામે રાત્રી કેમ્પમાં રસીકરણ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી
માહિતી બ્યુરો, પાટણ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લામાં ૧૫થી ૧૭ વર્ષના તરૂણોનું સો ટકા રસીકરણ થાય તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હારીજ તાલુકાના જાસ્કા ખાતે નાઈટ વેક્સિનેશન કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં તરૂણોને રસીકરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જન્મમરણ રજીસ્ટર અને પ્રાથમિક શાળાની યાદી આધારે રસીકરણ માટે બાકી રહેતા બાળકોની અલગ યાદી બનાવી તમામ તરૂણોને રસી આપવામાં આવે તે માટે રાત્રી સભામાં ગ્રામજનોને અવગત કર્યા હતા. સાથે જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને પણ તરૂણોના રસીકરણ માટે સુચારૂ વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.
કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવા, સામાજિક અંતર જાળવી અને ફરજિયાત માસ્ક પહેરવા ઉપર ભાર મૂક્યો હતો. આ તબક્કે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કોરોના વોરિયર હેલ્થ વર્કર્સનું સન્માન પણ કર્યું હતું.
રાત્રી ગ્રામ સભામાં ગ્રામજનોને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવા સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજાવ્યું હતું. તેઓશ્રીએ પ્રગતિશીલ ખેડૂતોનું મહામહિમ રાજ્યપાલશ્રી કૃત પ્રાકૃતિક કૃષિની પુસ્તિકા આપી સન્માન કર્યું હતું. સાથે જ ગામના લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. અને ઈ શ્રમ કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કર્યું હતું.
જાસ્કા ખાતે પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પ્રગતિ હેઠળના વિકાસના કામોની રૂબરૂ મુલાકાત લઇ સમીક્ષા કરવા સાથે નાણાપંચની ગ્રાન્ટનો ઉપયોગ કરી ગામના વિકાસકાર્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ તબક્કે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.બી. ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી તથા ગામના સરપંચશ્રી ભરતભાઈ, તલાટીશ્રી તેમજ આરોગ્યની ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.