ગુજરાતનું ગર્વ : ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરાયું
ગાંધીનગર: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિના હાલ ચાલી રહેલા ૪૪મા સત્રમાં કચ્છમાં આવેલા ઐતિહાસિક સ્થળ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવામાં આવ્યું છે. ધોળાવીરાની સાથે ઈરાનના હવારમાન, જાપાનના જાેમોન, જાેર્ડરનના અસ-સાલ્ત, અને ફ્રાંસના નીશે પણ રેસમાં હતા.
હાલના સત્રમાં તેલંગાણાના રુદ્રેશ્વરા/રામપ્પા મંદિરને પહેલાથી જ વર્લ્ડ હેરિટેજ સાઈટનું સ્ટેટસ આપી દેવાયું છે, જેનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ત્રણ હેરિજેટ સાઈટ્સ હતી,
જેમાં પાવાગઢ નજીકના ચાંપાનેર, પાટણની રાણકી વાવ અને અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. રાજ્યની ચોથી વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે હવે ધોળાવીરાનો સમાવેશ થયો છે.
ધોળાવીરા ઈ.પૂર્વે ૩૦૦૦થી ૧૮૦૦ની વચ્ચે નિર્માણ પામ્યું હોવાની શક્યતા છે. ભારતમાં અત્યારસુધી કોઈ હડપ્પન સાઈટને વર્લ્ડ હેરિટેજ સાઈટનું બિરુદ નથી મળ્યું. ધોળાવીરાને શોધનારા પુરાતત્વ ખાતાના પૂર્વ ડિરેક્ટર ડૉ. વાય.એસ. રાવતે જણાવ્યું હતું કે ધોળાવીરા બીજી બધી હડપ્પન સાઈટ્સ કરતાં અલગ છે,
જાે તેને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જાે મળે તો તેનાથી તેની કાયાપલટ થશે. ધોળાવીરાનું ઉત્ખનન કરનારી ટીમની આગેવાની કરનારા પુરાતત્વશાસ્ત્રી ડૉ. આર.એસ. બિષ્ટના જણાવ્યા અનુસાર, સતત ૧૨૦૦ વર્ષ સુધી ધોળાવીરામાં માનવ વસવાટ હતો.
તેમાં ભૂતકાળની અનેક બાબતો સંગ્રહાયેલી પડી છે. બાંધકામ ટેક્નોલોજીથી માંડીને જળ સ્થાપન અને વજન તેમજ વેપાર જેવી દરેક બાબતો તે સમયને સમજવા જરુરી છે, જે ધોળાવીરામાં સચવાયેલી છે. આ ઉપરાંત અમદાવાદ પહેલાથી જ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન ધરાવે છે.
ત્યારે ગુજરાત માટે વધારે એક ગૌરવની બાબત છે. અત્રે નોંધનીય છે કે, ધોળાવીરા સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક માનવામાં આવે છે. જેનાં અવશેષો આ સાઇટ પર છે. આ સંસ્કૃતિ તે સમયની સૌથી ઉન્નત એન્જિનિયરિંગ અને પોતાનાં વિઝન માટે દેશ વિદેશમાં જાણીતી છે. આ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલી સાઇટ છે.
૧૯૯૦માં ખોદકામ દરમિયાન આ અવશેષો મળી આવ્યા હતા. આ ઉપરાંત આ સમગ્ર સાઇટ ૨૫૦ હેક્ટર કરતા પણ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે.