‘ગુજરાતનું ગૌરવ 2022’ એવોર્ડ કાર્યક્રમમાં ૩૫ જેટલા મહાનુભાવોને એવોર્ડ આપીને સન્માનિત કરાયા
અમદાવાદના ખાતે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત ‘ગુજરાતનું ગૌરવ 2022’ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
સમાજમાં જ્યારે શ્રેષ્ઠ પ્રતિભાનું સન્માન થાય છે ત્યારે એ પ્રતિભાઓ સમાજને આગળ લાવવા સમર્થ બને છે :- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણું ગુજરાત- આગવું ગુજરાત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા આજે સન્માનિત થતા મહાનુભાવોએ પોતાની સાથે ગુજરાત ગૌરવ વધાર્યું છે.*
અમદાવાદ ખાતે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત ‘ગુજરાતનું ગૌરવ 2022’ એવોર્ડ કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમાજમાં જે શ્રેષ્ઠ પ્રતિભાનું હંમેશા સન્માન થતું હોય છે તેઓ સમાજને આગળ લાવવા સમર્થ બને છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વનો લાભ આજે આખા દેશને અને ગુજરાતને મળી રહ્યો છે. આજે ગુજરાતનું નામ વિશ્વ પ્રસિદ્ધ થઇ ગયું છે.
તેમણે ઉમેર્યું કે, અગાઉ ગુજરાત વિશ્વના ખૂણે ખૂણે જતું હતું આજે આખું વિશ્વ ગુજરાતના આંગણે આવી રહ્યું છે એ માત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત પ્રયાસથી સાકાર થઇ રહ્યું છે. આમ, આજે ગુજરાત એક મજબૂત સ્થિતિમાં પણ આવી ગયું છે.
મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૩૫ જેટલા મહાનુભાવોને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીએ મંતવ્ય-ચેનલ દ્વારા આવા સન્માનનો સરસ ઉપક્રમ યોજવા માટે ચેનલને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઇ અમીન, ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સમાજ અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર મંતવ્ય ન્યૂઝના મેનેજીંગ ડિરેક્ટર શ્રી સુરેશભાઈ પટેલ અને શ્રી જીગ્નેશભાઈ પટેલ તેમજ મીડિયા જગત સાથે સંકળાયેલા મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.