ગુજરાતનું સહકારી ક્ષેત્ર દેશભરમાં શ્રેષ્ઠ : સહકાર મંત્રી
રાજ્યભરમાં સહકારી ક્ષેત્ર કિસાનોથી લઇ તમામ વર્ગોની આર્થિક ઉન્નતિ માટે એક દિશા ચિન્હરૂપ બન્યું છે : મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ
સહકાર અને રમત-ગમત મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતનું સહકારી ક્ષેત્ર દેશભરમાં શ્રેષ્ઠ છે. રાજ્યભરમાં સહકારી ક્ષેત્ર કિસાનોથી લઇ બધાજ વર્ગોની આર્થિક ઉન્નતિ માટે એક દિશા ચિન્હરૂપ બન્યું છે.
આજે ધી દસ્ક્રોઇ તાલુકા કો-ઓ.પરચેઇઝ એન્ડ સેઇલ યુનિ.લીમિટેડના ‘અમૃત મહોત્સવ’ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી સહકાર મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ અમૂલ બ્રાન્ડ છે. આ સિવાય સહકારી દૂધ મંડળીઓ દ્વારા ૨ કરોડ લીટર કરતા પણ વધુ દૂધ એકત્ર કરવાનું કામ પણ આ સહકારી ઘોરણે થઇ રહ્યું છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અપાઇ રહેલા લાભોને લઇને મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ટેકાના ભાવ માટે ૭૦૦ કરોડના ખર્ચે ગુજકોમાસોલની ખરીદી કરી હતી. જેમાં કપાસ, મગફળી, રાયડો અને ચણા જેવી તમામ ચીજ-વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજકોમાસોલ ચેરમેનશ્રી, દિલીપભાઇ સંઘાણી, ધી દસ્ક્રોઇ તાલુકા કો-ઓ.પરચેઇઝ એન્ડ સેઇલ યુનિ.લીના હોદ્દેદારો અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.