Western Times News

Gujarati News

ગુજરાતને રેલવે ફાટકમુકત બનાવવાની નેમ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી

સુરેન્દ્રનગર શહેરમાં અંદાજીત રૂપિયા ૭૮.૦૮ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરેન્દ્રનગર ખાતે અંદાજીત રૂપિયા ૭૮.૦૮ કરોડના વિકાસ કામો લોકાર્પિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં રૂપિયાના અભાવે હવે એક પણ વિકાસનું કામ અટકશે નહી. રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની સાથે ગામડાઓનો વિકાસ થાય તે માટે સરકાર જરૂરિયાત મુજબના નાણાંની ફાળવણી કરી રહી છે. ભૂતકાળમાં નગરપાલિકા કે મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે નાણાંની ફાળવણી નહોતી થતી, પરંતુ આજે નગરપાલિકા-મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે જેટલા રૂપિયા જોઈએ તેટલા સરકાર આપી રહી છે. પ્રજાના કરવેરાનો એક-એક પૈસો પ્રજા હિતના વિકાસના કામો પાછળ આજે વપરાઈ રહયો છે.

ગુજરાતને રેલવે ફાટકમુકત બનાવવાની નેમ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના શહેરો વિશ્વના શહેરો સાથે વિકાસ ક્ષેત્રે બરોબરી કરી શકે તેવા વાતાવરણનું આજે નિર્માણ થયું છે, ત્યારે શહેરોના આયોજનબદ્ધ વિકાસની સાથે જે શહેરોમાંથી રેલવે લાઈન પસાર થતી હોય તેવા રેલવે ફાટકો ઉપર ઓવરબ્રીજ કે અન્ડરબ્રીજ બનાવી સમગ્ર ગુજરાતને રેલવે ફાટક મુકત બનાવવું છે.

મુખ્યમંત્રીશ્રીએ આગામી-૨૦૨૨ સુધીમાં ગુજરાતના પ્રત્યેક વ્યક્તિને ઘરનું ઘર મળે તે દિશામાં સરકાર કાર્યરત હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો સાચા અર્થમાં લાભાર્થીઓને મળી રહયા છે. જેના કારણે વિચરતી-વિમુકત જાતિ સહિતના લાભાર્થીઓનું ‘‘ઘરના ઘર’’નું સ્વપ્ન સાકાર થયું છે અને હવે તેમને પોતાનું કાયમી સરનામુ મળ્યું છે.

ગરીબી-બેકારી અને ભ્રષ્ટાચારમુકત શાસન વ્યવસ્થા થકી ગુજરાત સર્વાંગી વિકાસ ક્ષેત્રે અગ્રેસર બને તે માટે રાજય સરકાર કટીબદ્ધ બની કાર્ય કરી રહી છે, જેના પરિણામે રોજગાર ભરતી મેળાઓ દ્વારા ૧૧ લાખ યુવાનોને પ્લેસમેન્ટ મળ્યું છે તથા ભરતી ઉપરનો પ્રતિબંધ હટાવીને ૧.૨૫ લાખ યુવાઓને પારદર્શકતા સાથે સરકારી નોકરી આપી સાચા અર્થમાં આ સરકારે સુશાસનની પ્રતિતિ કરાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજય સરકારના ‘‘જયાં માનવી, ત્યાં સુવિધા’’, ‘‘વિવાદ નહીં,  પણ સંવાદ’’ અને ‘‘લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગ’’ના સિદ્ધાંતોને સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા સાચા અર્થમાં અમલમાં મૂકી શહેરના વિકાસને વેગ આપવાનું કાર્ય થયું છે, તેમ જણાવી આગામી દિવસોમાં સુરેન્દ્રનગરવાસીઓને દરરોજ પીવાનું પાણી મળે તે દિશામાં ઝડપભેર કાર્ય કરવા પણ જણાવ્યું હતું.

સુરેન્‍દ્રનગર જિલ્‍લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્‍યું હતું કે, સુરેન્‍દ્રનગરના વિકાસમાં આજ એક નવું સોપાન ઉમેરાયું છે. સુરેન્‍દ્રનગર શહેર પણ અન્‍ય વિકસીત શહેરોની સાથે વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરે તે માટેની ચિંતા મુખ્‍યમંત્રીશ્રી કરી રહયા છે.

મંત્રીશ્રીએ કોઈ પણ વ્‍યકિત આવાસ વિહોણો ન રહે તે માટેની સરકારની નેમ વ્‍યકત કરતા જણાવ્યું હતુ કે, જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગત વર્ષ દરમિયાન ૨૫૦૦ જેટલા આવાસોનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે.

જિલ્‍લામાં પીવાના પાણીની મુશ્‍કેલીનું નિરાકરણ થયું છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે નર્મદા યોજનાના કારણે સુરેન્‍દ્રનગર એ આજે સૌરાષ્‍ટ્રનું પાણીયારૂં બન્‍યું છે. અહિથી સૌરાષ્‍ટ્રના ગામે-ગામ અને શહેરો સુધીનું પીવાનું પાણી પહોંચાડાઈ રહયું છે, તથા આગામી દિવસોમાં વાસ્‍મો મારફત ઘર-ઘર સુધી પીવાનું પાણી મળે તે માટેના કાર્ય થકી ‘‘નળથી ઘર’’ સુધીના સરકારના મંત્રને ચરિતાર્થ કરાશે.

આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રીએ સભાસ્‍થળેથી ડિજિટલ તકતી અનાવરણ કરી રૂપિયા ૭૮.૦૮ કરોડના ત્રણ વિકાસ કામોના લોકાર્પણ કર્યા હતા. જેમાં સુરેન્‍દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા રૂપિયા ૪૩.૪૮ કરોડના ખર્ચે બનેલ રેલવે ઓવરબ્રીજ, આર.એ.વાય અંતર્ગત રૂપિયા ૨૭.૪પ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આવાસો તથા રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે સાકાર થયેલ પંડિત દિન દયાલ ઉપાધ્‍યાય ટાઉન હૉલનો સમાવેશ થાય છે.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ તકે આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણી પત્રો એનાયત કરવા ઉપરાંત જિલ્‍લાના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના તેજસ્‍વી છાત્રોને ચેક વિતરણ, સ્‍ત્રી ભૃણ હત્‍યા અટકાવવાના સ્‍ટીંગ ઓપરેશનમાં સહયોગ આપનારને ચેક વિતરણ, વિચરતી જાતિના લાભાર્થીઓને પ્‍લોટ ફાળવણીના હુકમ તથા સનદનું વિતરણ અને દિવ્‍યાંગ દંપતિઓને સહાયના ચેકનું પણ વિતરણ કર્યું હતું.

જિલ્‍લા વહીવટી તંત્ર તથા નગરશ્રેષ્‍ઠીઓએ મુખ્‍યમંત્રીશ્રી રૂપાણીનું પુષ્‍પગુચ્‍છ તથા સ્‍મૃતિચિન્‍હ આપી સ્‍વાગત કર્યું હતું. વિચરતી જાતિના લાભાર્થીશ્રી હર્ષદભાઈ વ્‍યાસ, તથા આવાસ યોજનાના લાભાર્થીશ્રી અશ્વિનભાઈ વાઘેલાએ સ્‍ટેજ પરથી તેમની સાફલ્‍યગાથા વર્ણવી હતી. વિકાસકામોની ગાથા આલેખતી ટૂંકી ડોકયુમેન્‍ટ્રી ફિલ્‍મ આ પ્રસંગે પ્રસારિત કરાઈ હતી.

આ પ્રસંગે સીધ્વી ટેક સોલ્‍યુશન, પાર્થ કન્સ્ટ્રક્શન અને જયદિપ કન્સ્ટ્રકશન દ્વારા મુખ્‍યમંત્રીશ્રી કન્‍યા કેળવણી ફંડમાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને રૂપિયા એક-એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા ઉપસ્‍થિતોના હસ્‍તે દિપ પ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ ‘‘મનુષ્‍ય ગૌરવ ગાનની‘‘ રજુઆત થઈ હતી. સભા સ્‍થળે આવતા પહેલાં મુખ્‍યમંત્રીશ્રી રૂપાણીએ ઓવરબ્રીજ અને ટાઉન હોલની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વીપીનભાઇ ટોળિયાએ સ્વાગત પ્રવચન કરી સુરેન્દ્રનગર શહેરમાં હાથ ધરાયેલા વિકાસ કામોની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતમાં આભાર વિધી ચીફ ઓફિસરશ્રી સંજય પંડયાએ કરી હતી.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુજપરા, ધારાસભ્યશ્રી સર્વશ્રી ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરીયા,  ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌત્તમભાઈ ગેડીયા, જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશકુમાર રાજયગુરૂ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્રભાઈ બગડીયા, પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલ, દુધરેજ વડવાળા મંદિરના મહંતશ્રી કનીરામદાસ બાપુ, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી ધનરાજભાઈ કૈલા, શ્રીમતી વર્ષાબેન દોશી, સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડ, અગ્રણી સર્વશ્રીઓ નીતીન ભારદ્વાજ, દિલીપભાઈ પટેલ, જીજ્ઞાબેન પંડયા, ડો. અનિરૂધ્ધસિંહ પઢિયાર, જગદીશ મકવાણા, પ્રકાશ સોની, ચંદ્રશેખર દવે, જશુભા ઝાલા, હરદેવસિંહ પરમાર, વિરેન્દ્ર આચાર્ય, નિર્મળાબેન યાદવ, એન.ડી.ડી.બી.ના શ્રી મીત્તલબેન પટેલ, સહિતના મહાનુભાવો, આગેવાનો તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.