ગુજરાતને સુવર્ણકાળ બતાવનાર પાટણનો ૧૨૭૫મો સ્થાપના દિન
પાટણ: પાટણનો આજે ૧૨૭૫ મો સ્થાપના દિવસ છે. રાજપૂત સમાજ અને પાલિકા દ્વારા પાટણના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે. વિક્રમ સંવત ૮૦૨ માં વીર વનરાજ ચાવડાએ નગરની સ્થાપના કરી હતી અને તે સમયે તેને અણહીલપુર નામ આપવામાં આવ્યું હતું. અણહીલપુર પાટણ ૭૦૦ વર્ષ સુધી ગુજરાતનું પાટનગર રહ્યું હતું. અણહિલપુર પાટણના ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમ દેવ જેવા અનેક યશસ્વી રાજાઓ થઈ ગયા છે.
આ સુવર્ણ કાળ દરમ્યાન રાણીની વાવ જેવા અનેક બેનમૂન સ્થાપત્યનું નિર્માણ થયું છે. તો રાણી ની વાવમાં રહેલ શિલ્પ સ્થાપત્યની કોતરણી વિશ્વ ફલક પર ચમકી છે. ૧૨૭૫ વર્ષ જૂની પ્રાચીન અને વિશ્વ વિરાસત તરીકે ઓળખાતી અને સમગ્ર રાજ્યની ૭૦૦ વર્ષ સુધી પાટનગર રહી ચૂકેલી નગરીનો ભૂતકાળ સુર્વણ શબ્દોમાં અંકિત કરાય તેવો અદભૂત છે. અણહીલ ભરવાડના નામ પર સ્થાપેલી અણહીલપુર પાટણ નગરી જેનો આજે ૧૨૭૫ મો સ્થાપના દિવસ છે. ત્યારે પ્રાચીન પાટણની પ્રભુતા પર એક નજર કરવા જેવી છે.
ઐતિહાસિક નગરી પાટણની સ્થાપના વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત ૮૦૨ ના મહાવદ સાતમના રોજ તેઓના મિત્ર અહીલ ભરવાડના નામ પરથી અનાહીલપુર પાટણ નામ આપી કરી હતી. ત્યાર બાદ આ ઐતિહાસિક નગરીએ અનેક રાજવીઓના શાસનકાળ દરમિયાન ચઢાવ ઉતાર જાેયા હતા. જેમાં વિક્રમ સંવત ૮૦૨ થી વિક્રમ સંવત ૯૯૮ એમ ૧૯૬ વર્ષ સુધી ચાવડા વંશજાેએ રાજ કર્યું હતું. જેમાં અણહીલ, ખેમજ, ભુવડ જેવા વંશ થઇ ગયા. જે બૃહદ ગુજરાત તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ સોલંકી વંશમાં મૂળરાજસિંહ સોલંકી, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ જેવા સમર્થ રાજાઓ થઇ ગયા. જેમના સમયગાળામાં અનેક સ્થાપત્યો બંધાયા હતા.
જેને આજનો વર્તમાન યુગ સોલંકી શાસનનો સુર્વણ યુગ ગણે છે, તે વિરાસતો પૈકી અનેક પ્રાચીન સ્મારકો અને મંદિરો આજે પણ અડીખમ ઉભા છે. તે સમય દરમિયાન ભીમદેવ પહેલાના મૃત્યુ બાદ તેઓની યાદમાં પત્ની રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. જેમાં સાત માળની વાવ ૬૪ મીટર લંબાઈ, ૨૦ મીટર પહોળાઈ અને ૨૭ મીટર ઊંડાઈની બનાવવામાં આવી છે. જે રેતિયા પથ્થર પર કોતરણી કરી બેનમુન કલાકૃતિ તેમજ થાંભલાઓથી શણગારાયેલી છે. આ વાવની કલ્પના કરવી પણ અઘરી છે,
તેને તે સમયે બનાવવામાં આવી હતી. જે આજે વિશ્વ વિરાસતમાં સ્થાન પામી છે. પાટણના જુના બાદીપુર ગામની સીમામાં ઇજિપ્તના રાજાએ પોતાનો ખજાનો ભૂગર્ભમાં દાટ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરના અનુસાર તેમના માયા પરિવારના પૂર્વજાે ઇજીપ્તમાં રહેતા હતા.
ત્યાંના રાજવીઓનાં ખજાનાનું રક્ષણ કરતા હતા. જ્યારે ઇજિપ્ત શાસન તબક્કાવાર નાશ પામવા લાગ્યું ત્યારે રાજાએ માયા રક્ષકોને ખજાનો અને તેની ચાવી સોંપી દીધી હતી. જે ખજાનો જુના બાદીપુરની જગ્યામાં તેમની જમીનમાં ભૂગર્ભમાં સંતાડેલા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ ઉપરાંત આ ખજાનાની ચાવી તેમની પાસે હોવાનો દાવો પણ ઠાકોર પરિવાર કરી રહ્યો છે.