ગુજરાતભરમાં એટ્રોસિટીના દિવસમાં સરેરાશ પાંચ કેસો

અમદાવાદમાં હત્યાના છ, બળાત્કારના ૧૬ કેસો સપાટી ઉપર આવ્યાઃ ટોપ પ ઝોનમાં જુનાગઢ, ભાવનગર સામેલ
અમદાવાદ, ગુજરાતમાં ૨૦૧૯માં દિવસમાં એટ્રોસિટી અથવા તો અત્યાચારના પાંચ કેસો નોંધાયા હતા. દલિતો ઉપર હિંસાના બનાવો પણ બન્યા હતા. ૨૦૧૯ના આંકડાની વાત કરવામાં આવે તો ૨૦૧૯ એટ્રોસિટીના ૧૫૦૦થી વધુ કેસો રાજ્યમાં જાતિ આધારિત હિંસાના પરિણામ સ્વરુપે નોંધાયા હતા.
એટ્રોસિટીના આ કેસોમાં ૩૨ હત્યાઓના કેસ, ૮૧ હુમલાના કેસ અને ૯૭ બળાત્કારના કેસો નોંધાયા હતા. આ આંકડા સંકેત આપે છે કે, ગુજરાતમાં ગયા વર્ષે એટ્રોસિટીના સરેરાશ પાંચ કેસો દરરોજ નોંધાયા હતા. ગુજરાત વિધાનસભામાં આ અંગેના આંકડા હાલમાં જ આપવામાં આવ્યા હતા.
૨૦૦૧ અને ૨૦૧૯ વચ્ચેના આંકડા સુચન કરે છે કે, ૨૦૧૮ સુધી કેસોમાં વધારો દર્શાવ્યો હતો જ્યારે ૨૦૧૯માં ૨૦૧૮ની સરખામણીમાં ૪૫ કેસો ઓછા નોંધાયા છે. જા કે, ૨૦૧૯માં રાજ્યમાં લગ્નના સરઘસમાં ઘોડા ઉપર બેસવાથી ત્રણ દલિતોને રોકી દેવામાં આવ્યા હતા.
અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં આ બનાવ બન્યા હતા. હાલમાં જ બનાસકાંઠાના પાલનપુરમાં તેના લગ્નમાં ઘોડા ઉપર બેસવાથી એક દલિત યુવાનને રોકી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ જાતિના લોકો દ્વારા દલિતોને ઘોડા ઉપર બેસવાથી રોકવામાં આવ્યા હતા.
૨૦૧૯માં અમદાવાદમાં સૌથી વધુ ૧૬૪ કેસો નોંધાયા હતા જ્યારે જુનાગઢમાં ૧૦૨ કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં હત્યાના છ કેસો નોંધાયા હતા જ્યારે દલિત મહિલાઓ ઉપર બળાત્કારના ૧૬ કેસો નોંધાયા હતા. ગંભીર ઇજા પહોંચાડવાના ૧૦ કેસ સપાટી ઉપર આવ્યા હતા. પોલીસ દ્વારા ૨૦૧૯માં એટ્રોસિટી એક્ટને લાગૂ કરીને વિવિધ કાર્યવાહી કરી હતી.
આંકડાઓ દર્શાવે છે કે, એટ્રોસિટીના બનાવો હજુ પણ વધી રહ્યા છે. ટોપ પાંચ એટ્રોસિટી ઝોનની વાત કરવામાં આવે તો અમદાવાદ, જૂનાગઢ, બનાસકાંઠા, ભાવનગર અને અમરેલી સૌથી આગળ રહ્યા છે.
૨૦૧૯ના આંકડાની વાત કરવામાં આવે તો એટ્રોસિટીના કેસોમાં ફેરફાર જાવા મળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં એટ્રોસિટીના કેસોના આંકડામાં ૨૦૧૮માં સૌથી વધુ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ૨૦૧૮માં એટ્રોસિટીના ૧૫૪૫ કેસ નોધાયા હતા જ્યારે ૨૦૧૯માં આ કેસોમાં ૪૫ કેસોનો ઘટાડો નોંધાયો હતો. આંકડા દર્શાવે છે કે, વહીવટીતંત્ર અને પોલીસને વધુ અસરકારકરીતે કાર્યવાહી કરવાની જરૂર દેખાઈ રહી છે.