ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજુ : નલિયામાં પારો ૩.૩
અમદાવાદ: ગુજરાતભરમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. એકાએક રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ગગડીને ૧૦થી નીચે પપહોંચી ગયો છે. અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી રહ્યું છે. બીજી બાજુ નલિયા ઠંડુગાર થતાં અહીં લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી થતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. હજુ પણ લઘુત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી. હવામાન વિભાગે કોલ્ડવેવની ચેવતણી પણ જારી કરી છે. દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે. તેની સાથે ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાન ૫ થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ૩ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આમ આજનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા અને સૂસવાટા મારતો તોફાની પવન વચ્ચે લોકો જારદાર રીતે ઠુંઠવાયા હતા. ઠંડીથી બચવા લોકોને ગરમ કપડાં, સ્વેટર-ટોપી, મોજા પહેરવાની ફરજ પડી હતી. હજુ યથાવત છે. ભારે પવનથી લોકો ઠૂંઠવાઈ રહ્યાં છે.
જા કે, આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ઠંડા પવનોની અસરોથી રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ૫ થી ૮ ડિગ્રી ગગડ્યો છે. સમગ્ર રાજ્યમાં ૩ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. ત્યારબાદ ભુજ-૮, રાજકોટ-૯, કંડલા એરપોર્ટ-૮, ડીસા-૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં તાપમાન વધ્યું હતું.
જ્યારે આજથી ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યાં છે. જેને પગલે અમદાવાદ શહેરમાં દસ ડિગ્રી જેટલી ઠંડી નોંધાઇ હતી. હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ાંચ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે.
એક્યુવેધર મુજબ, ૧૧થી ૧૩ જાન્યુઆરી વાતાવરણમાં ધુમ્મસ જોવા મળશે. ત્યારબાદ તા.૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. આગામી તા.૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુત્તમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે. હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર અને કચ્છમાં તીવ્ર ઠંડીનો ચમકારો આજે રહ્યો હતો. એકાએક રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે.