ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકો વતનની વાટે
અમદાવાદ: ગુજરાતભરમાં ફરીથી કોરાનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે જ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ ગુજરાતથી પોતાના વતન તરફ જઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં શ્રમજીવીઓની શરૂ થયેલી હિજરતને કારણે ગુજરાતના ઉધોગપતિઓ ચિંતાતુર બન્યા છે. ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ કોરોના કાબુમાં નહીં આવતા લૉકડાઉન આપવામાં આવે તો ફસાઈ જવાના ડરે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ વતન તરફ જવા લાગ્યા છે. જેની સીધી અસર માંડ સેટ થઈ રહેલા ઉધોગો પર પડી રહી છે.
બીજી તરફ ગુજરાતના ઉદ્યોગપતિઓ દ્વારા શ્રમજીવીઓને જતા અટકાવવા માટેના પ્રયાસ પણ શરૂ થઈ ગયા છે. દેશમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ લગભગ ત્રણ મહિના સુધી લૉકડાઉનનો કડક અમલ થયો હતો. જેને કારણે દેશભરમાં વેપાર ધંધા ઉધોગો ઠપ થઈ ગયા હતા. આ પરિસ્થિતિમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ લાખોની સંખ્યામાં ગુજરાતમાં કામ ધંધા માટે આવેલા શ્રમજીવીઓ પરિવાર સાથે અટવાઈ ગયા હતા. કામ ધંધા બંધ થઈ જતા આવક અટકી ગઈ હતી. હવે જે બચત હતી
તે પણ ખર્ચાઈ ગઈ હતી. જેને કારણે લોકો દયનીય પરિસ્થિતિમાં મુકાઇ ગયા હતા. શ્રમજીવીઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટથી ચાલતા ચાલતા છેક ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોતાના વતનમાં ગયા હતા. જાેકે લૉકડાઉન બાદ ધીરે ધીરે વેપાર – ધંધા ઉધોગો શરૂ થયા અને બજારો ફરીથી ધમધમતા થતા મોટાભાગના શ્રમજીવીઓ પરત આવી ગયા હતા. ધીરે ધીરે તમામ ઉધોગો ફરીથી સેટ થવા લાગ્યા હતા. ત્યારે જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ ફરીથી કોરોના સંક્રમણ અસાધારણ રીતે વધી ગયું છે. કોરોના કાબુમાં લાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે.
આ પરિસ્થિતિમાં તમામ શ્રમજીવીઓને જાે ફરીથી લૉકડાઉનનો અમલ શરૂ થાય તો શું કરવું ? ચિંતા સતાવી રહી છે. જેને કારણે શ્રમજીવીઓ પોતાના પરિવારના સભ્યો સાથે ફરીથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહાર પોતાના વતન તરફ રવાના થઇ રહ્યા છે. લગભગ અઠવાડિયામાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમજીવીઓએ વતનની વાટ પકડી લીધી છે.
ટ્રેન અને સરકારી વાહનોમાં જવાની સુવિધા નહીં મળતા શ્રમજીવીઓ પોતાના ગ્રૂપ સાથે પ્રાઇવેટ વાહનો લઇને વતન ભાગી રહ્યા છે. આ પરિસ્થિતિની સીધી અસર ઉધોગો ઉપર દેખાવા લાગે છે. ઉધોગોમાં લેબરની અછત વર્તાતા સમજદાર અને પીઢ ઉધોગપતિઓ દ્વારા શ્રમજીવીઓની હિજરત અટકાવવા માટેના પ્રયાસ શરૂ થયા છે .