ગુજરાતમાંથી ૧૫ દિવસમાં દસ હજાર ખેડૂત આંદોલનમાં જાેડાશે
નવી દિલ્હી, કૃષિ કાયદા રદ્ કરવાની માગણી સાથે ગુજરાતના ખેડૂતોએ દિલ્હીમાં પડાવ નાખ્યો છે, બુધવારે બપોરે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના દિલ્હી બોર્ડર પર બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ૧૫ દિવસોમાં ગુજરાતમાંથી ૧૦ હજાર ખેડૂતો દિલ્હી પહોંચે તેવું આયોજન કરાયું છે.
પહેલા તબક્કામાં દરેક તાલુકામાંથી ઓછામાં ઓછા ૧૦-૧૦ ખેડૂતોને, બીજા તબક્કામાં દરેક તાલુકામાંથી ઓછામાં ઓછા ૩૦-૩૦ ખેડૂતોને દિલ્હી બોલાવવાનું આયોજન કરાયું છે. દિલ્હીમાં ગુરુવારે સવારે ગુજરાતના ખેડૂતોએ ગરબાના કાર્યક્રમનું આયોજન કર્યું છે.
બુધવારે પણ કૃષિ કાયદા રદ્ કરવાની માગણી સાથે ખેડૂત આગેવાનોએ સંબોધન, સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાંથી દિલ્હી પહોંચેલા ખેડૂત આગેવાન ડાહ્યાભાઈ ગજેરાએ જણાવ્યું કે, આજે વડોદરા, ભરૂચ, મોરબીના ૫૦૦ જેટલા ખેડૂતો દિલ્હી આવી પહોંચ્યા છે, વડોદરાથી એક જૂથ ખાસ લંગર સેવા માટે આવી પહોંચ્યું છે.
ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ કહ્યું કે, અન્ય ખેડૂત સંગઠનોના આગેવાનો આજે ૮૦ ખેડૂતો સાથે દિલ્હી પહોંચ્યા છે.
ગુજરાતથી દિલ્હી પહોંચેલા ખેડૂતોનો સૂર છે કે, અમે ધરણાં પર બેસી રોજે રોજ આશ્ચર્યજનક કાર્યક્રમ કરીશું અને ત્રણ કાળા કાયદાનો વિરોધ કરતાં રહીશું. ત્રણ કાળા કૃષિ કાયદા નહિ હટે ત્યાં સુધી એક પગલું પણ પાછળ હટવું નથી.SSS