Western Times News

Gujarati News

ગુજરાતમાં અનલોક-ર અંગે આજે નિર્ણય

Files Photo

ગાંધીનગર: દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત મુખ્ય હોટ સ્પોટ બની ગયું છે અને દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ગુજરાત ત્રીજા નંબરે છે આ પરિસ્થિિતમાં   રાજય સરકારે અમદાવાદ સહિત રાજયભરમાં મોટા પ્રમાણમાં છુટછાટો આપી દેતા હવે કોરોનાની મહામારી ખૂબ જ વધી ગઈ છે ત્યારે અનલોક-૧ ની અવધિ પુરી થઈ રહી છે અને અનલોક-૧ના ગાળાની કેબિનેટની છેલ્લી મીટીંગ આજે મળવાની છે.

તેમાં અનલોક-ર અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે અને આ અંગેનો વિસ્તૃત અહેવાલ કેન્દ્ર સરકારને પણ મોકલવામાં આવનાર છે. સાથે સાથે દેશભરમાં ગુજરાતમાં કોરોનાના ટેસ્ટના સૌથી વધુ રૂપિયા લેવામાં આવતા હોવાના મુદ્દે ભારે ઉહાપોહ મચેલો છે તેથી આ મુદ્દે પણ આ બેઠકમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે જેના પગલે કેબીનેટની આજની બેઠક પર તમામની નજર મંડાયેલી છે.

દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહયો છે દેશભરમાં લોકડાઉન બાદ છુટછાટો આપવામાં આવી છે પરંતુ છુટછાટોમાં નિયમોનું પાલન કરવામાં આવતુ નથી અને સરકારી એજન્સીઓ પણ આ મુદ્દે મુક પ્રેક્ષક બનીને બેસી ગઈ હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં થઈ રહેલો સતત વધારો ચિતાનો વિષય બની ગયો છે.

જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સંબંધિત વિભાગોના મંત્રીઓ સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહયા છે લોકડાઉનના કારણે દેશના અર્થતંત્ર પર વિપરીત અસર પડી છે આ ઉપરાંત તમામ સેકટરોમાં મંદીનો માહોલ છવાયેલો હતો દેશભરમાં રોજગારીનો પણ પ્રશ્ર સર્જાયો હતો જેના પગલે કેન્દ્ર સરકારે લોકડાઉનની મુદત પૂર્ણ થતા તેમાં છુટછાટ આપવાની સત્તા તમામ રાજય સરકારોને આપી હતી કેટલીક રાજય સરકારોએ લોકડાઉનમાં ખૂબ જ સિમિત રીતે છુટછાટો આપી હતી જયારે ગુજરાતમાં રાજય સરકારે વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપી દીધી છે.

લોકડાઉન બાદ જાહેર કરાયેલા અનલોક-૧ માં ગુજરાત સરકારે આપેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે સાથે સાથે અનેક નવા વિસ્તારો હોટ સ્પોટ બની ગયા છે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં પરિસ્થિતિ  સુધરી રહી છે ત્યારે પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે જેના પગલે કેટલાક વિસ્તારોમાં નાગરિકો બહાર નીકળતા પણ ડરે છે અનલોક-૧ માં ગુજરાતમાં તમામ ક્ષેત્રો ધમધમતા થાય તે માટે આ છુટછાટો આપવામાં આવી છે.

પરંતુ છુટછાટોના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બનવા લાગી છે કોરોનાની મહામારી વચ્ચે દેશમાં ટેસ્ટના મુદ્દે પણ ભારે હોબાળો સર્જાયેલો છે સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતમાં રૂપિયા પડાવાતા હોવાની વિગતો બહાર આવી છે આ મુદ્દો સામાન્ય નાગરિકોમાં પણ ખૂબ જ ચર્ચાઈ રહયો છે. સરકારી તંત્રએ આ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લાવવો જાઈએ તેવુ લોકો માની રહયા છે.

રાજયમાં અનલોક-૧ દરમિયાન અપાયેલી છુટછાટોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે ચિંતાજનક બાબત એ છે કે ટેસ્ટીંગની સંખ્યા ઘટાડવામાં આવી છે તેમ છતાં કેસો વધી રહયા છે તો ટેસ્ટીગની સંખ્યા વધારવામાં આવે તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બનવાની શકયતા જાવામાં આવી રહી છે. આ તમામ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ આગામી નિર્ણય ઉપર તમામની નજર મંડાયેલી છે.
ગુજરાતમાં અનલોક-૧ ની મુદત પૂર્ણ થઈ રહી છે અને આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં અનલોક-૧ની છેલ્લી કેબીનેટની બેઠક મળવાની છે આ બેઠકમાં સૌ પ્રથમ અનલોક-ર અંગે વિચારણા કરવામાં આવશે. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાજયની વર્તમાન સ્થિતિને જાતા રાજયભરમાં રાત્રિ કફર્યુ યથાવત રહે તેવુ મનાઈ રહયું છે આ ઉપરાંત અન્ય કેટલાક નિર્ણયો લેવામાં આવે તેવુ ચર્ચાઈ રહયું છે.

કેબીનેટની બેઠકમાં અનલોક-ર ઉપરાંત મહત્વપૂર્ણ કોરોના ટેસ્ટના ભાવ અંગે ચર્ચા થવાની છે સમગ્ર દેશમાં ગુજરાતમાં કોરોના ટેસ્ટની સૌથી વધુ કિંમત લેવામાં આવી રહી છે અને આ અંગે દેશભરમાં ઉહાપોહ થઈ રહયો છે જેના પગલે આજની કેબીનેટની બેઠકમાં આ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી પણ શક્યતા જાવા મળી રહી છે.

આજની બેઠકમાં કોરોનાની સ્થિતિ  અંગે સમીક્ષા કરવા ઉપરાંત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવનાર છે અને આ અંગે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલી આપવામાં  આવશે અને તે બાદ અનલોક-ર અંગે ગુજરાત સરકાર નિર્ણય લેશે. આજની કેબીનેટની બેઠકમાં રાજયમાં અમદાવાદ અને સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા હોવાથી આ બે શહેરોની વર્તમાન સ્થિતિની  પણ સમીક્ષા કરવામાં આવશે અને આ બે શહેરો માટે અલગથી મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવુ પણ ચર્ચાય રહયું છે. અમદાવાદ શહેરમાં રોજ નવા વિસ્તારોમાંથી કોરોનાના કેસો નોંધાવા લાગ્યા છે ખાસ કરીને શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં  પરિસ્થિતિ  દિવસેને દિવસે ગંભીર બની રહી છે તેથી આજની કેબીનેટની બેઠકમાં આ મુદ્દે કોઈ નિર્ણય લેવાય તેવુ મનાઈ રહયું છે.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકોની પેટા ચૂંટણી અંગે પણ આજની બેઠકમાં વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે આ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ તેની જાહેરાત કરાશે.  ગુજરાતમાં સમયસર વરસાદ શરૂ થયો છે આ ઉપરાંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે તેથી આજની બેઠકમાં ખેડૂતોને સમયસર તથા યોગ્ય પ્રમાણમાં ખાતર સહિતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે પણ ચર્ચા વિચારણા થાય તેવુ મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.