ગુજરાતમાં અનલોક-૩ની તૈયારીઓ શરૂ કરી દેવાઈ
અમદાવાદ: કોરોના વાયરસના કહેરના કારણે સંપૂર્ણ દેશમાં લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યુ હતુ, ત્યાર બાદ લોકોને થોડી રાહત આપવા માટે અનલોક-૧ અને અનલોક-૨ જાહેર કરવામાં આવ્યુ. હવે અનલોક-૨ ૩૧ જુલાઈના રોજ પૂરું થઈ રહ્યું છે. ગુજરાતમાં અનલોક-૩ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોએ અનલોક-૩ની તૈયારી શરૂ કરી દીધી છે. અનલોક-૩માં થિયેટરો અને જિમ શરૂ થવાની સંભાવના છે. સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે ૨૫ ટકા સીટો સાથે થિયેટર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. અનલોક-૩માં આ નિર્ણયના લીધે મલ્ટીપ્લેક્સના સંચાલકોમાં નારાજગી જાેવા મળી રહી છે. મલ્ટીપ્લેક્સના સંચાલકો ૫૦ ટકા સીટો સાથે થિયેટર શરૂ કરવા માટે સહમત છે.
જાે ૨૫ ટકા સીટો સાથે થિયેટરો ચાલુ કરવામાં આવશે, તો વધુ નુકશાન થશે તેવું સંચાલકો માની રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ૨૦૦ જેટલા થિયેટરો હાલ સંપૂર્ણ બંધ છે. અનલોક-૩માં થિયેટરો ખોલવા ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાવી દેવામાં આવ્યો છે. થિયેટરના માલિકો ૫૦ ટકા સીટો સાથે સિનેમાહોલ શરૂ કરવા તૈયાર છે, પરંતુ સરકાર ફક્ત ૨૫ ટકા સીટો સાથે મંજૂરી આપવા માંગે છે. જેથી દેશના અનેક થિયેટરના માલિકો ૨૫ ટકા ક્ષમતા સાથે સિનેમાહોલ શરૂ કરવા તૈયાર નથી થઈ રહ્યાં. કેન્દ્ર સરકાર ઓગસ્ટ મહિનાથી અનલોક-૩ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે. ખાસ કરીને મલ્ટિપ્લેક્સ, સિંગલ સ્ક્રિન થિયેટર અને જિમ ખોલવાની મંજૂરી સંચાલકોને મળી શકે છે.
જાે કે દેશભરની શાળાઓ અને મેટ્રો સેવા અગાઉની જેમ જ બંધ રહેશે. ૨૭મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવી છે. જેમાં વધતા કેસો અને અનલોક-૩ અંગેની ચર્ચા થશે. ૩૧મી જુલાઇએ અનલોકનો બીજાે તબક્કો પૂરો થઈ રહ્યો છે, ત્યારે આગામી રણનીતિ અંગે પણ વિચારણા થઈ શકે છે.