ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જાેર વધશે: હવામાન વિભાગ
અમદાવાદ, છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જાેર ઘટી રહ્યું છે. અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું હતું. જે નોર્મલ કરતાં ૧.૮ ડિગ્રી વધુ અને મહત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી નોંધાયું હતું જે પણ નોર્મલ તાપમાન કરતાં ૨.૧ ડિગ્રી વધુ નોંધાયું હતું.
જાે કે, આગામી દિવસોમાં ઠંડીનું જાેર વધશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે ૨૪મી જાન્યુઆરીથી સતત ત્રણ દિવસ કચ્છ વિસ્તારમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારનું લઘુત્તમ તાપમાન ૨થી ૩ ડિગ્રી જેટલું ગગડશે. જેની સાથે સાથે દિવસનું મહત્તમ તાપમાન પણ ૨ ડિગ્રી જેટલું ગગડશે.
સુરત શહેરમાં ગત અઠવાડિયે ઠંડી વિદાય લઈ રહી હોય તેમ વાતાવરણમાં ફેરફાર જાેવા મળ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગે ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ઉત્તરનો પવન ફૂંકાતા ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આવનારા થોડાક દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જાેર વધશે.
અત્રે નોંધનીય છે કે, ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સૌથી લાંબા સમય સુધી ગાઢ ધુમ્મસ છવાયું હતું. ગાઢ ધુમ્મસના પગલે જિલ્લામાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જેમ કે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે તતલીફોનો સામનો કરવો પડ્યો હતો. આજ કારણોસર નર્મદા ચોકડી તેમજ ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં વાહનચાલકોએ પોતાના વાહનો ઉભા કરી દીધા હતા.
આગામી ૨૪ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી વચ્ચે તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. નલિયામાં ઠંડીનો પારો છ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યારે કેશોદમાં ૯.૮ ડિગ્રી, વલસાડમાં ૧૦.૫ ડિગ્રી, અમરેલીમાં ૧૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૫ ડિગ્રી, રાજકોટમાં ૧૨.૨ ડિગ્રી, પોરબંદરમાં ૧૨.૨ ડિગ્રી, ડિસામાં ૧૩ ડિગ્રી, દીવમાં ૧૩ ડિગ્રી, ભૂજમાં ૧૩.૨ ડિગ્રી, સુરેંદ્રનગરમાં ૧૪.૫ ડિગ્રી, ભાવનગરમાં ૧૫.૯ ડિગ્રી, વડોદરામાં ૧૬ ડિગ્રી અને સુરતમાં ઠંડીનો પારો ૧૭.૪ ડિગ્રી સુધી રહ્યો છે.HS