ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના
19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની વકી
ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની અખબારી યાદી અનુસાર 19 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 19 ઓગસ્ટે(ગુરુવાર)સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાદી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સુકુ રહેશે.
20 ઓગસ્ટે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવઈ છે તેમ જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમ જ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કચ્છ જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની યાદીમાં 19 ઓગસ્ટે(ગુરુવાર)દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
યાદીમાં જણાવ્યા અનુસાર 20 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. (સ્ત્રોત : ભારતીય હવામાન વિભાગ.ઈસ્યૂ તારીખ –18-08-2021 સમય –બપોરે 3-30 કલાકે)