ગુજરાતમાં આજથી ૩ દિવસ ભારે વરસાદની આગાહી
રાજયના ૧૬૬ રોડ હજુપણ વાહન વ્યવહાર માટે બંધ છે : ૭ સ્ટેટ હાઈવે બંધ જેમાં કચ્છ જિલ્લાના ૪ સ્ટેટ હાઈવેનો સમાવેશ |
(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ મેઘરાજાએ ટુકો વિરામ લેતા અમદાવાદ સહિત રાજયના મોટાભાગના શહેરોમાંથી પાણી ઉતરી જતા જન જીવન નોર્મલ બનતું જાય છે બજારોમાં તહેવારોની ખરીદી કરવા ભીડ જાવા મળે છે. હવામાન ખાતાએ કરેલ આગાહી મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય બનતા આજથી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી બાદ તંત્રને સાબદુ કરાયુ છે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડવાને કારણે જળસકંટ દૂર થયું હોવાનું સરકાર જણાવે છે સૌરાષ્ટ્રના બધા જ ડેમો પાણીથી છલકાઈ ઉઠયા છે. રાજકોટમાં બધા જ ડેમોમાં નવા નીર આવવાથી પાણીથી છલકાઈ ગયા છે અને સત્તાવાળાઓના જણાવ્યા મુજબ રાજકોટ માથે જે જળસકંટ હતું તે દૂર થયું છે
આમ રાજકોટ નિવાસી માટે વરસાદ શ્રાપરૂપ નહી આર્શિવાદરૂપ બન્યો છે. છેલ્લા સપ્તાહમાં પડેલ ભારેથી અતિભારે વરસાદને કારણે રેલ્વે વ્યવહારને અસર પડતા આજે પણ ૯ ટ્રેનો રદ કરવાની રેલ્વે સત્તાવાળાઓએ જાહેરાત કરી છે જેમાં ભુજ-બરેલી એક્ષપ્રેસ, ગાંધીધામ- હાવડા, ભુજ-દાદર, જામનગર-તિરૂપણી હાવડા મુખ્ય છે જયારે ૪ ટ્રેનો અન્ય રેલમાર્ગ પરથી લઈ જવાઈ રહી છે.
વરસાદે વિરામ લેતા પાણી ઓસરવા લાગ્યા છે પરંતુ રાજયના મોટાભાગના રસ્તાઓને વ્યાપક નુકશાન થતાં તથા રસ્તાઓમાં પડેલ ખાડાઓને કારણે વાહન ચાલકોને વાહન ધીમે તથા સાવચેતીથી ચલાવવા પડે છે. હવામાન ખાતાની આગામી મુજબ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર- નગર હવેલી તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જયારે મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે.