ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનશે અને દિલ્હી જેવું શ્રેષ્ઠ શિક્ષણ મળશે: મનીષ સિસોદિયા
નવી દિલ્હી, રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગઈકાલે શિક્ષણ બાબતે એક નિવેદન આપતાં કહ્યું હતુ કે જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે. વાઘાણીનાં આ નિવેદન સામે પલટવાર કરતાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું હતુ કે, ભાજપ 27 વર્ષમાં પણ સારું શિક્ષણ આપી શક્યું નથી, લોકોએ ગુજરાત છોડવાની જરૂર નથી. ગુજરાતમાં “આપ” ની સરકાર બનશે અને ગુજરાતમાં પણ દિલ્હી જેવું શ્રેષ્ઠ શિક્ષણ હશે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ શિક્ષણ બાબતે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને ગુજરાતની જનતાને કહ્યું હતું કે લોકોએ ગુજરાત છોડવાની જરુર નથી.
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા વાઘાણીને ગુજરાતના અને દિલ્હીના શિક્ષણ મોડલ અંગે લાઇવ ડિબેટ કરવા માટેનું પણ આમંત્રણ પાઠવી ચૂક્યા છે.