ગુજરાતમાં આવેલા ૫૦૦૦ થી વધુ રબર પાર્ટ્સ બનાવતા એકમો મુશ્કેલીમાં
અમદાવાદ, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કહેર બાદ મોટા ભાગની ઈન્ડસ્ટ્રીઓને નુકશાન થયુ છે. આ ઉપરાંત ચાઈનાથી આવતા રો મટીરીયલ બંધ થઈ જતાં ઘણાં ઉદ્યોગો હાલમાં મરવાના વાંકે જીવી રહ્યા છે. આની અસરમાં પ્લાસ્ટીક અને રબર ઉદ્યોગોને પણ થઈ છે.
ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઈલ, સિમેન્ટ, પેપર, પ્લાસ્ટિક, કેમિકલ તથા દરેક પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં રબર પ્રોડક્ટ્સ મોટા પ્રમાણમાં વપરાય છે. રબર પ્રોડક્ટ્સ બનાવવા માટેનું નેચરલ રબર ભારતમાં ખાસ કરીને આસામમાં બને છે. પરંતુ તે 1500 મેટ્રીક ટન જેટલું જ છે. જ્યારે ભારતમાં આશરે 1 લાખ મેટ્રીક ટન રબરની આયાત બીજા દેશોમાંથી થાય છે. આ ઉપરાંત એન્ટી ડમ્પીંગ ડ્યુટીને કારણે રબર રો મટીરીયલની ખેંચ પડે છે.
જ્યારે સિન્થેટીક રબર જેવા કે સિલિકોન, નાઇટ્રાઇલ, વાઇટોન વગેરે રબર અને અન્ય કેમિકલ્સ મોટા ભાગે ચીન, કોરિયા, યુરોપથી ઇમ્પોર્ટ થાય છે. જેની આવક-જાવક કોવિડ-૧૯ના કારણે ખોરવાઈ ગયો છે.
રબર મેન્યુફેકચર્સ વેલ્ફેર એસોસીએશનના સભ્યો જણાવે છે કે, રબર રો મટીરીયલ્સ તથા કેમિકલ્સ ના ભાવમાં છેલ્લા ૩ માસમાં જ ૫૦% થી ૧૫૦% સુધીનો ઉછાળો આવ્યો છે. રબર રો મટીરિયલ્સ અને કેમિકલમાં સતત વધતાં ભાવોના કારણે સમગ્ર ગુજરાતમાં આવેલા ૫૦૦૦ થી વધુ રબર પાર્ટ્સ બનાવતા એકમો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
રબર સાથે સંકળાયેલા મોટા ભાગના એકમો સૂક્ષ્મ તથા લઘુ કક્ષાના છે. જે લગભગ ૫ લાખથી વધુ લોકોને રોજગાર પુરો પાડે છે. મોટા ભાગના એકમો ને ગ્રાહકો પાસેથી વાર્ષિક રેટ કોન્ટ્રાકટ હોવાથી તથા માર્કેટમાં ઉત્પાદન સામે માંગ ઓછી હોવાથી ભાવ વધારો મળતો નથી.
લોકડાઉન બાદ વ્યવસાય માં નાણાકીય તંગી અનુભવી રહેલા આ એકમોને એક બાજુ બેન્કો માંથી લીધેલી લૉનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે, ગ્રાહકો પાસેથી સમયસર પેમેન્ટ આવતું નથી ત્યારે આ એકમોને આ ભાવ વધારાને કારણે મૂડી રોકાણ ૫0% જેટલું વધી જતા લગભગ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે.
આ ભાવ વધારાને કારણે પડી રહેલી મુશ્કેલીની રજૂઆત તથા ભાવ ઘટાડા અંગે પગલાં લેવા માટે એસોસીએશન દ્વારા રાજ્ય સરકાર તથા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.