Western Times News

Gujarati News

ગુજરાતમાં આ વર્ષે ૧૫ જૂન પહેલાં ચોમાસુ આવવાની આગાહી

અમદાવાદ, ચાલુ વર્ષે ઉનાળામાં ચામડી બાળી નાખે તેવી ગરમી એપ્રિલ મહિનાથી શરુ થઈ ગઈ છે અને હવે આ ગરમીના ઉકળાટ વચ્ચે એક રાહત આપનારી ખબર સામે આવી છે. દેશમાં ચોમાસું વહેલું આવવાની આગાહી સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું વહેલું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મહત્વનું છે કે દેશમાં આંદામાન, કેરળ, તામિલનાડુમાં ચોમાસાનું વહેલું આગામન થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે આજે ઉત્તર ભારતમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પાછલા વર્ષે મોડું ચોમાસું શરુ થયા બાદ છેક ડિસેમ્બર સુધી ટૂકડે-ટુકડે વરસાદ થતો રહ્યો હતો.

આ વર્ષે અગાઉ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચોમાસું સામાન્ય રહેવાનું છે. આ તરફ આસામમાં તો વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે.

આવો જાણીએ ગુજરાતના વરસાદ અંગે કેવી આગાહી કરવામાં આવી છે. રિપોર્ટ્‌સ પ્રમાણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બધું થયું તો એક મહિનાની અંદર જ ગરમીથી રાહત મળી શકે છે. આ વર્ષે ગુજરાતમાં ૧૫ જૂન પહેલા ચોમાસાનું આગામન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, સોમવારે દેશમાં નેઋત્યના ચોમાસાનું આગામન થઈ ચુક્યું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક રાજ્યોની સાથે આંદામાન નિકોબારનો પણ સમાવેશ થાય છે. આ સાથે નજીકના દિવસોમાં કેરળ, કર્ણાટકા સહિત દક્ષિણ પશ્ચિમના દરિયાઈ પટ્ટીવાળા રાજ્યોમાં નજીકના દિવસોમાં ચોમાસાની શરુઆત થઈ શકે છે.

આકરા ઉનાળાના કારણે ગુજરાતમાં એપ્રિલ મહિનાથી આવી રહેલા રેડ અને ઓરેન્જ એલર્ટની સાથે હીટવેવથી નજીકના ભવિષ્યમાં અંત આવી શકે છે. કેરળમાં ૨૭મી મેથી ૧ જૂન વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્ય ચોમાસાનો પ્રારંભ થવાની વકી છે.

પાછલા વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થતા ડેમો છલકાયા હતા અને ખેડૂતોને ફાયદો થયો હતો, પરંતુ પાછોતરા અને કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ હાલાકી પણ વેઠવાનો વારો આવ્યો હતો. કમોસમી વરસાદની અસર ચાલુ વર્ષમાં કેરી પર વર્તાઈ રહી છે. પાછલા વર્ષે ગુજરાતમાં સરેરાશ ૯૮.૪૮ ટકા વરસાદ થયો હતો.

આ વર્ષે પણ રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેવાની વકી છે. ખાનગી સંસ્થા સ્કાયમેટના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવતે જણાવ્યું છે કે, “ગુજરાતમાં મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી યથાવત રહેશે, પરંતુ તેમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.

જાેકે, ૧૮મી મે પછી ગુજરાતમાં ફરી એકવાર ગરમીનું જાેર વધી શકે છે. કેરળમાં ૨૬મી મેના રોજ ચોમાસાનું આગામન થવાની શક્યતા છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ૧૦થી ૧૫ જૂન વચ્ચે તે પછી ૧૫થી ૨૦ જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગામન થઈ શકે છે.

જાેકે, ગુજરાતના કચ્છમાં ચોમાસા માટે જૂન મહિનાના અંત સુધી રાહ જાેવી પડી શકે છે.
આ સાથે ગુજરાતના પૂર્વ ભાગમાં સારો વરસાદ જઈ રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ થઈ શકે છે. બીજી તરફ ગરમીનું પ્રમાણ ઘટાડવામાં અરબી સમુદ્રથી આવતી હવાઓ મદદરૂપ થઈ શકે છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વરસાદના આંકડાઃ રાજ્યમાં પાછલા વર્ષે ૯૮.૪૮% વરસાદ થયો હતો, જે પહેલા ૨૦૨૦માં ૧૩૬.૮૫ ટકા, ૨૦૧૯માં ૧૪૬.૧૭ ટકા, ૨૦૧૮માં ૭૬.૭૩ ટકા અને વર્ષ ૨૦૧૭માં ૧૧૨.૧૮ ટકા વરસાદ રહ્યો હતો. ઈંચમાં જાેઈએ તો વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧માં સૌથી સારો ૨૦૧૯માં ૪૬.૯૫ ઈંચ વરસાદ થયો હતો, જ્યારે પાછલા વર્ષે ૩૨.૫૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.