ગુજરાતમાં એક પણ બાળક કુપોષણથી ન પીડાય તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ
મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત પોષણ અભિયાન-૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકારે દઢ સંકલ્પ લીધો છે કે, રાજ્યમાં એકપણ બાળક કુપોષણથી ન પીડાય. કિશોરી, સગર્ભા માતાઓ, ધાત્રી માતા, બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે તે માટે આ યોજના હેઠળ કુપોષણમાંથી બહાર લાવવામાં આવશે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ખાતે મહેસૂલ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ‘ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦’ ‘ચાલો સુપોષિત ગુજરાતનું નિર્માણ કરીએ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
મંત્રીશ્રી કહ્યું કે, રાજ્યનું એકપણ બાળક ખાસ કરીને કિશોરી, સગર્ભા માતાઓ અને નવજાત બાળકો આરોગ્યની દૃષ્ટિએ ક્યાંય નબળા ન રહે તેના ચિંતા કરવા માટે રાજ્યના દરેક જિલ્લામાં મંત્રીશ્રીઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરેક ગામડાઓમાં અને આગણવાડીમાંથી કુપોષણ બાળકને દત્તક લેવાનો છે. આ સાથે-સાથે સરકારની પાલક યોજના ઘરે-ઘરે અને ગામડે-ગામડે પહોંચાડવાનો છે. આ કાર્યક્રમ થકી જ આપણે સૌ ગુજરાત પોષણ અભિયાનને સાર્થક કરી શકીશું તેવી મંત્રીશ્રીએ નેમ વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષણ, આરોગ્ય અને ઉર્જા જેવા દરેક ક્ષેત્રોમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. તેજ રીતે સમાજના તમામ વર્ગોનો વિકાસ કરી દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતને આગળ ધપતું રાખવું છે.
શિક્ષણ અંગે જણાવતા મંત્રીશ્રી એ કહ્યું કે, આજે શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ હાઇટેક શિક્ષણ લઈ શકે તે માટે આધુનિક શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત એક સંસ્કારી પ્રદેશ છે અને આ સંસ્કારના આધારે જ ગુજરાત વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ બનાવી શક્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોના આરોગ્યની ચિંતા કરી રહી છે. આરોગ્ય ક્ષેત્રમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ દ્વારા તેનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે પોષણ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોની અન્ન પ્રાસાન વિધિ પણ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ચાંગોદર આંગણવાડી કેન્દ્ર નંબર-1ની મુલાકાત લઇ બાળકો અને આગણવાડીની બહેનો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે ચાંગોદર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘પોષણ અદાલત’ વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજીત વાનગી હરિફાઇના વિજેતાઓને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પાલક દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી કે.કે નિરાલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા પંચાયતના સભ્યો, ચાંગોદરના સરપંચશ્રી, આંગણવાડીની બહેનો, બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.