Western Times News

Gujarati News

ગુજરાતમાં એક પણ શાળા પીવાના પાણી-શૌચાલયથી વંચિત નથી

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ કહ્યું હતું કે, એકપણ શાળા પીવાના પાણી શૌચાલયની સુવિધાથી વંચિત નથી. શિક્ષણમંત્રીએ એમપણ કહ્યું હતું કે, દાતા, અમીરગઢની શાળામાં શૌચાલય ન હોવાના આક્ષેપને ગંભીરતાથી લઇને સંબંધિત ધારાસભ્યને સાથે લઇ રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી ચુકી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કબૂલાત કરી હતી કે, રાજ્યની એક પણ શાળા પીવાના પાણી અને શૌચાલય સુવિધાથી વંચિત નથી.


કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ મુજબ ગુજરાત રાજ્યને પીવાના પાણી અને શૌચાલય સુવિધા માટે ૧૦માંથી ૧૦ ગુણ મળ્યા છે જે રાજ્યના સર્વશ્રેષ્ઠ દેખાવની ખાતરી આપે છે. દાતા અને અમીરગઢ તાલુકાની પીવાના પાણી અને શૌચાલય સુવિધાથી વંચિત પ્રાથમિક શાળાઓ સંદર્ભે ઉત્તર આપતા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ એક પણ સરકારી પ્રાથમિક શાળા પીવાના પાણી અને શૌચાલયથી વંચિત નથી. ચુડાસમાએ કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને તેમના નેતૃત્વમાં પારદર્શક સરકારમાં અમને સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે કે, આવી ફરિયાદના કિસ્સામાં સંબંધિત ધારાસભ્ય, કાર્યકરને સાથે રાખીને રૂબરૂ તપાસ કરીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયનમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ગુજરાતની સમૃદ્ધિ વધી છે. સાથે સાથે ઉદ્યોગ, વેપાર, યાત્રા અને શિક્ષણનો વ્યાપ વધ્યો છે જેને ધ્યાનમાં લઇને રજ્યમાં શહેરો-શહેરો તથા અન્ય રાજ્યો વચ્ચે ઇન્ટરનલ એરલાઈન્સ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોટી સંખ્યામં લોકો આનો લાભ લઇ રહ્યા છે. વિધાનસભામાં વાયબ્રન્ટ સમિટ ૨૦૧૫ અને ૨૦૧૭માં એમઓયુના પ્રશ્નના જવાબમાં ચુડાસમાએ કહ્યું હતું કે, આ બંને સમિટમાં સિવિલ એવિએશન ક્ષેત્રે ૨૨ એમઓયુ થયા હતા

પરંતુ એમઓયુ પોલિસીના અભાવે આ તમામ એમઓયુ રદ થયા હતા. રાજ્યની વિકાસયાત્રાને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા એવિએશન પોલિસીના નિર્માણ માટે વડાપ્રધાન મોદીએ રજૂઆત કરતા ૨૦૧૬માં એવિએશન પોલિસીનું નિર્માણ કરાયું હતું જે હેઠળ રાજ્યમાં ઇન્ટરનલ એવિએશનની સુવિધા શરૂ કરાઈ છે જેમાં અમદાવાદ-કંડલા, મુંબઈ, દીવ, જેસલમેર, જલગાંવ, બેલગામ જેવા શહેરોને સુવિધાઓ મળતી થઇ છે. નવી ૨૦ અને ૭૨ સીટની આંતરરાજ્ય એર સુવિધાઓ જારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.