Western Times News

Gujarati News

ગુજરાતમાં એપ્રિલમાં ૨.૬ લાખ કેસ, ૨૬૦૦ દર્દીનાં મોત થયા

પ્રતિકાત્મક

ગુજરાતના નવા કેસમાંથી ૪૬ ટકા એપ્રિલ ૨૦૨૧માં નોંધાયા અને ૩૭ ટકા મૃત્યુ પણ આ જ મહિનામાં થયા

અમદાવાદ,  કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી સૌથી ખરાબ સમય એપ્રિલ ૨૦૨૧નો સાબિત થયો છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં કોરોનાના ૨.૬ લાખ કેસ અને ૨,૬૦૦ દર્દીઓના મૃત્યુ થયા છે. મહામારીના અત્યાર સુધીના ગુજરાતના નવા કેસમાંથી ૪૬ ટકા એપ્રિલ ૨૦૨૧માં નોંધાયા અને ૩૭ ટકા મૃત્યુ પણ આ જ મહિનામાં થયા છે.

આંકડાની થોડી વિસ્તારથી વાત કરીએ તો, માર્ચ ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ સુધીમાં ગુજરાતમાં ૫.૬૭ લાખ કેસ અને ૭,૧૮૩ મૃત્યુ નોંધાયા છે. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ગુજરાતમાં ૬૨,૬૪૪ કેસ અને ૨૧૩ મોત નોંધાયા, જે માત્ર એપ્રિલ મહિનામાં નોંધાયેલા કેસ અને મૃત્યુના અનુક્રમે ૨૪% અને ૮% છે. હકીકતે, ૨૦૨૦ના આખા વર્ષ દરમિયાન એટલે કે માર્ચથી ડિસેમ્બર સુધીમાં ૨.૪૫ લાખ કેસ નોંધાયા અને ૪,૩૦૬ લોકોના મોત થયા.

માર્ચ મહિનાના મધ્યથી ગુજરાતમાં કોરોનાના કેસની ઝડપથી વધવા લાગી હતી. ૧૭ માર્ચે કોરોનાના કેસ ચાર આંકડામાં નોંધાયા હતા. ૧૭મી તારીખે રાજ્યમાં ૧,૧૨૨ કેસ નોંધાયા હતા. એપ્રિલ એકલામાં જ રાજ્યમાં ૨૬ વખત આંકડા નવી ઊંચાઈએ પહોંચ્યા હતા, આ પ્રકારનો વધારો અગાઉ જાેવા નહોતો મળ્યો. ૧૮મી એપ્રિલે ગુજરાતમાં પહેલીવાર ૧૦,૦૦૦થી વધુ કેસ દૈનિક કેસ નોંધાયા અને આજદિન સુધી આ રીતે કેસ નોંધાઈ રહ્યા છે, તેમ શહેરના એક એપિડેમિયોલોજિસ્ટે જણાવ્યું છે.

૨૦૨૦ અને ૨૦૨૧માં આવેલા ઉછાળામાં સૌથી મોટો તફાવત છે કેસની સંખ્યામાં થયેલી વૃદ્ધિ. શુક્રવાર સાંજ સુધીમાં ગુજરાતમાં ૧.૪૨ લાખ એક્ટિવ કેસ છે, જ્યારે ૨૦૨૦માં એક્ટિવ કેસનો આંકડો ૧૮,૦૦૦ને પાર નહોતો ગયો.
ઉપરાંત ૨૦૨૦થી વિપરીત આ વખતે દરેક જિલ્લામાં કેસમાં ઉછાળો આવી રહ્યો છે. જ્યારે ૨૦૨૦માં અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં તબક્કાવાર ઉછાળો જાેવા મળ્યો હતો જેથી સત્તાધિશોને તૈયારી અને સારવારના સાધનોની હેરફેર માટે સમય મળ્યો હતો.

શહેરના એક ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટે કહ્યું, આજની તારીખમાં રાજ્યમાં ૮૦,૦૦૦થી વધુ કોવિડ બેડ છે અને ઓક્સિજનની રોજિંદી જરૂરિયાત અથવા વપરાશ ૧,૦૦૦ મેટ્રિક ટન છે. કુલ આંકડામાં શહેરોનો ફાળો મોટો છે પરંતુ હવે તો નાના કેંદ્રોમાં પણ ૩૫૦-૫૦૦થી વધુ એક્ટિવ કેસ જાેવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.