ગુજરાતમાં એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા
પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો પર ભાજપની: કેન્દ્રીય નેતાગીરીની નજર: ભા.જ.પ- કોંગ્રેસ સજ્જ
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીલક્ષી કવાયત શરૂ કરાઈ છે ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ જેવા મોટા રાષ્ટ્રીય પક્ષોની સાથે અન્ય પક્ષો પણ મેદાનમાં આવી ગયા છે.
ગુજરાતમાં ર૦રરમાં ડીસેમ્બર મહિનામાં હાલની સરકારની મુદ્દત પુરી થતી હોવાથી કદાચ ચૂંટણી વહેલા યોજાય તેવી અટકળો રાજકીય ગલિયારીઓમાં શરૂ થઈ ગઈ છે દેશમાં ઉત્તરપ્રદેશ, મણીપુર, પંજાબ, ઉત્તરાખંડ, ગોવાની ચૂંટણીના પરિણામો કેવા આવે છે તેના પર ગુજરાતમાં ચૂંટણી વહેલા યોજવી કે નહી ?? તેના પર નિર્ણય લેવાઈ શકે છે. જાેકે રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવો તખ્તો ઘડાઈ રહયો છે.
ચૂંટણી અગાઉ અંડરગ્રાઉન્ડ તૈયારીઓ રાજકીય કક્ષાએ આરંભાઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોએ તો કમરકસવાની શરૂઆત કરી દીધી છે પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ ગુજરાતમાં એપ્રિલ-મે માં ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. અલબત્ત સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી કે ચૂંટણીઓ વહેલા કરાશે.
ભાજપના આગેવાનો આ અંગે કોઈ ફોડ પડતા નથી ચૂંટણીઓ સમયસર યોજાશે તેવુ જણાવી રહયા છે પરંતુ પાછલા કેટલાક દિવસોથી ભાજપ પક્ષે જે પ્રકારે રાજકીય તૈયારીઓ આરંભી દીધી છે તેને રાજકીય- વિશ્લેષકો સૂચક માની રહયા છે.
ભાજપે તો અંડર ગ્રાઉન્ડ તૈયારીઓ આરંભી દીધી હોવાનું કહેવાય છે તો મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સહિતના પક્ષો પણ તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા છે. પાંચ રાજયોની ચૂંટણી ફેબ્રુઆરી- માર્ચમાં યોજાનાર છે. પરિણામ પણ માર્ચ મહિનામાં આવી જશે ત્યાર પછી એટલે કે એપ્રિલ-મે મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી પુરેપુરી શકયતાઓ રાજકીય સ્તરે વ્યકત થઈ રહી છે. પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો પર ભાજપની કેન્દ્રીય નેતાગીરીની નજર મંડાઈ છે ત્યાર પછી જ કોઈ નિર્ણય લેવાય તેમ માનવામાં આવી રહયું છે.