Western Times News

Gujarati News

ગુજરાતમાં ઓછા મતદાનથી BJPમાં ચિંતાઃ અમિત શાહે કમલમમાં બેઠકોનો દોર ચલાવ્યો

File Photo

(એજન્સી)ગાંધીનગર,  ગુજરાતમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ૨૫ બેઠકો પર સરેરાશ ૫૯ ટકાના ઓછા મતદાનના લીધે રાજકીય પક્ષોમાં સોંપો પડી ગયો છે. આ સંજોગોમાં ભાજપ બધી બેઠકો પર પાંચ લાખથી વધુ લીડથી જીતે તેવી સંભાવના ઘટી ગઈ છે.

આમ ગુજરાતમાં લગભગ દાયકા પછી લોકસભા ચૂંટણીમાં ૬૦ ટકા કરતાં ઓછું મતદાન થયું છે. ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડમાં ૭૨ ટકા મતદાન થયુ હતુ. જ્યારે અમરેલીમાં માંડ ૪૯ ટકા મતદાન થયું હતું. ઓછા મતદાનના આંકડાના લીધે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ થવા લાગ્યો છે. સરકારની સાથે કમલમમાં પણ અમિત શાહે બેઠકોનો દોર હાથમાં લઈ લીધો છે.

તેના લીધે તેમણે દિલ્હી જવાનું પણ ટાળ્યું હતું અને ગાંધીનગરમાં રાતોરાત બેઠકો લેવા માંડી હતી અને દરેક સીટની સુધ તેમણે રાતે જ લઈ લીધી હોવાનું કહેવાય છે. તેની સાથે પરિણામની ચર્ચા કરી લીધી હોવાનું મનાય છે. તેને ધ્યાનમાં રાખતા હવે ભાજપ માટે પાંચ લાખની લીડ ભૂલી જવાનો વારો આવ્યો છે. બપોરના ધીમા મતદાન પછી સાંજે મતદાન વધારે થાય તેવી સંભાવના હતી, પરંતુ તે પણ શક્ય બન્યું ન હતું.

ક્ષત્રિય આંદોલનને લઈને ભાજપ આશ્વસ્ત છે, કારણ કે તેની અસર રાજ્યવ્યાપી નહીં પણ પરસોત્તમ રૂપાલાની બેઠક અને સૌરાષ્ટ્ર સુધી જ સીમિત છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો પૂરતી જ સીમિત છે. સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ઓછું મતદાન તેનો પુરાવો છે. જો કે સરેરાશ કરતાં ઓછા મતદાનના લીધે અમિત શાહે હવે મોટા આગેવાનો ઉપરાંત સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને કમલમમાં મળવા માંડ્યું છે.

તે બધા સાથે આખી રાત બેઠકોનો દોર ચાલ્યો હતો. તેઓ હવે દરેક બેઠકનો રિપોર્ટ તૈયાર કરીને વડાપ્રધાનને મળવા જશે તેમ મનાય છે.તેમણે આ ઉપરાંત કઈ બેઠકમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે અને ભાજપને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન થશે તેની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે.

કાર્યકર્તાઓની નારાજગી અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં પક્ષના કયા નેતાઓ નારાજ છે અને ક્યાં-ક્યાં કાર્યકરો નારાજ છે તેની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત આ બેઠકમાં કોંગ્રેસ પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. કઈ બેઠકો પર કોંગ્રેસનું પલડુ ભારે છે. કેટલીક બેઠકો પર વિપક્ષનું પલડું ભારે છે અને આ બેઠકો પર શું ફાયદો થશે તે અંગે ચર્ચા થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.