ગુજરાતમાં કોરોનાના 18 દર્દી પોઝિટીવઃ આજે નવા 5 કેસ
અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 18 નોંધાયા છે. રાજ્યમાં આજે નવા પાંચ કેસ પોઝિટીવ સામે આવ્યા છે.
ગુજરાતમાંથી કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે 189 સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા. તેમાંથી 18 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 148 કેસ નેગેટીવ આવ્યા છે. ગઈકાલ સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાના 7 કેસ પોઝિટિવ હતા. આજે તેમાં વધારો જોવા મળ્યો છે.
સુરતમાં પોઝિટિવ આવેલો કોરોના વાયરસના ચેપના કેસવાળી વ્યક્તિએ સુરતથી દિલ્હી અને જયપુરની મુલાકાત લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. કોરોના વાયરસના પહેલા બે કેસ ગુજરાતમાં ગત ગુરૂવારે નોધાયા હતા. ત્યારબાદ શુક્રવારે એટલે કે ગઈકાલે બીજા પાંચ કેસ પોઝિટિવ જણાયા હતા.
શનિવારે સુરતમાં નવો એક કેસ નોંધાયો. ત્રેવીસ વર્ષનો એક યુવાન દુબઈથી આવ્યો છે અને તે કોરોના વાયરસ પોઝિટીવ હોવાનું જોવા મળ્યું છે. દુબઈથી આવેલો આ યુવાન છ વ્યક્તિઓના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યો હોવાથી આ છ વ્યક્તિઓની તલાશ ચાલુ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
આ પુરૂષ દુબઈથી આવેલો છે અને ચાર જણના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલો છે. આજે નોંધાયેલા છમાંથી બે સિનિયર સિટીઝન છે. તેમની વય અનુક્રમે 67 અને 69ની છે. 67 વર્ષનો પુરૂષ દિલ્હી અને જયપુર જઈને આવ્યો છે. તે બે વ્યક્તિઓના ઘનિષ્ટ સંપર્કમાં આવ્યો છે. દુબઈથી આવેલો અને મૂળ જયપુરનો 24 વર્ષનો યુવાન પણ પોઝિટિવ જણાયો છે.