ગુજરાતમાં કોરોનાનો એકપણ કેસ નથી છતાંય સરકાર એલર્ટ : નીતિન પટેલ
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ નથી, છતાં રાજય સરકાર કોરોના વાઇરસની સંભવિત અસરોને લઇ આ સમગ્ર મામલે એલર્ટ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત રાજયની વિવિધ સરકારી હોસ્પિટલોમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને અગમચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ જરૂરી સ્ટાફ, દવા અને સારવાર સહિતની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે
એમ આજે રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લોકોને હૈયાધારણ આપતાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આજ દિન સુધી ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ જણાયો નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ સારવાર લઇ શકે એ માટેના ખાસ આઇસોલેશન વોર્ડ અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને બાળકો માટે પણ સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ૩ માર્ચના રિપોર્ટ પ્રમાણે નોવેલ કોરોના વાઈરસના વિશ્વમાં કુલ ૭૨ દેશોમાં ૯૦,૮૭૦ કેસ અને ૩,૧૧૨ લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં કોરોનાના કુલ ૫ાંચથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે સાત કેસના રિપોર્ટ કન્ફર્મ થવાના બાકી છે. જા કે, ગુજરાતમાં ગુજરાતમાં આ વાઈરસનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કુલ ૨૫ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.