ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ ૯૫ ટકા વરસાદ નોંધાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Rain-1024x569.jpg)
Files Photo
અમદાવાદ, એકંદરે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન સારી રહી છે. મોન્સૂન રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો અહીં દર્શાવવામાં આવેલાં આંકડા એ વાતનો પુરાવો છેકે, વરસાદ સારો રહ્યો છે. ખાસ કરીને સપ્ટેમ્બર માસમાં ચોમાસાની સિઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ ૯૫ ટકા વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થયો છે. આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી ૭૯૮.૭ મીમી (૩૧ ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાંથી ૪૨૬.૨૧ મીમી (૧૬ ઇંચ) એકલા સપ્ટેમ્બરમાં નોંધાયો છે. સપ્ટેમ્બરમાં છેલ્લા ૧૦ વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.
સેન્ટરના જણાવ્યા પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં ૧૩૦ ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે કચ્છમાં ૧૧.૭ ટકા તથા ઉત્તર ગુજરાતમાં ૫૧૨.૯૬ મીમી સાથે કુલ ૭૧.૫૯ ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો કુલ ૮૩.૬૫ ટકા તથા દક્ષિણ ગુજરાતમાં ૯૩.૦૫ ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો ૬૨.૫૮ ટકા વરસાદ પડ્યો છે જ્યારે ડાંગમાં ૬૭.૮૬ ટકા વરસાદ નોંધાયો છે.HS