ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૨૨૪ તાલુકામાં વરસાદ
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૨૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ – ૩૩ ઈંચ વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહ( ૬ ઓગસ્ટ,૨૦૨૦,સવારે ૬ વાગ્યા સુધીના આંકડા) સુધીમાં રાજ્યમાં ચોમાસુ સિઝનના સરેરાશ વરસાદના ૪૭ ટકા વરસાદ પડી ચૂક્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ સરેરાશ વરસાદ સૌરાષ્ટ્ર પ્રદેશના દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાલુકામાં (૨૧૧ ટકા ) થયો છે, જ્યારે સૌથી ઓછો સરેરાશ વરસાદ મધ્ય ગુજરાતના દાહોદ તાલુકાના સિંગવડ તાલુકામાં(૯ ટકા) થયો છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદનું પ્રમાણ સારું છે. કચ્છ જિલ્લામાં સિઝનના સરેરાશ વરસાદના ૯૩ ટકા વરસાદ થઈ ચૂક્યો છે, તો સૌરાષ્ટ્રમાં સિઝનના સરેરાશ વરસાદના ૮૨ ટકા વરસાદ થયો છે. જો કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વરસાદ કચ્છ-સૌરાષ્ટ્રની તુલનાએ ઓછો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનના સરેરાશ વરસાદનો ૩૧ ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં ૩૦ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૩૩ ટકા વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં સિઝનના સરેરાશ વરસાદના ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો છે. જામનગર જિલ્લામાં સિઝનના સરેરાશ વરસાદના ૧૧૦ ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૭૯ ટકા અને પોરબંદર જિલ્લામાં ૧૨૭ ટકા વરસાદ થયો છે.
જો કે, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ સંતોષકારક વરસાદ થયો નથી. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે સારો વરસાદ હોય છે તેવા ડાંગ જિલ્લામાં તો સિઝનના સરેરાશ વરસાદના માત્ર ૨૨ ટકા જ વરસાદ થયો છે. તે જ રીતે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સિઝનના સરેરાશ વરસાદનો ૧૮ ટકા, તાપીના ઉચ્છલ તાલુકામાં – ૧૭ ટકા, સુરતના માંડવી તાલુકામાં – ૧૬ ટકા અને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં -૧૮ ટકા જ વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાતમાં પણ વરસાદની તાણ અનુભવાઈ રહી છે. અહીં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિઝનના સરેરાશ વરસાદના ૯ ટકા, લીમખેડા તાલુકામાં-૧૧ ટકા, ઝાલોદ તાલુકામાં -૧૩ ટકા વરસાદ નોંધાયો છે. અહીં ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં સિઝનના સરેરાશ વરસાદના ૧૭ ટકા, આણંદના ઉમરેઠ તાલુકામાં ૧૭ ટકા, વડોદરાના દેસર તાલુકામાં ૧૬ ટકા, છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં ૧૮ ટકા અને મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ૧૯ ટકા વરસાદ નોંધાયો છે. ૫ ઓગસ્ટે,૨૦૨૦એ રાજ્યમાં સરેરાશ ૦.૭૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ,રાજ્યમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં રાહતની લાગણી જોવા મળી છે.