ગુજરાતમાં ટામેટાના પાકને ભારે નુકસાન
અમદાવાદ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં હાલમાં પડી રહેલા વરસાદના કારણે ટામેટાના પાકને નુકશાન થયું છે. ગુજરાતમાં ૧૫ નવેમ્બરથી લોકલ માલની આવકો શરૂ થવાની હતી તે હવે એક મહિનો પાછી ઠેલાઇને ૧૫ ડિસેમ્બર પછી આવકો શરૂ થશે તેવું ખેડૂતો અને વેપારીઓનું માનવું છે. વરસાદના કારણે ટામેટાના છોડ પરના ફૂલ ખરી પડતા પાકને નુકશાની થઇ છે. નવા ફૂલ આવતા સમય લાગતો હોવાથી આવકો મોડી પડશે. જો હજુ વરસાદ ચાલુ રહેશે તો નુકશાનીમાં વધારાની સાથે આવકો શરૂ થવામાં તેનાંથી પણ વધુ મોડું થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. જોકે હાલમાં મહારાષ્ટ્ર અને બેંગલુરૂમાંથી મોટાપાયે ટામેટાની આવકો ચાલુ હોવાથી ભાવમાં કોઇ ફેર નહીં પડે. પરંતુ જો મહારાષ્ટ્રમાં હાલમાં પડી રહેલા વરસાદના કારણે પાક નુકશાની વધી જાય તો આવક ઘટતા ભાવમાં વધારો થવાની સંભાવના રહેલી છે.
ગુજરાતમાં કડી, કલોલ, ધોળકા, ધ્રાંગધ્રા, ઇડર, ખેડા, તારાપુર, આણંદ સહિતના વિસ્તારોમાં મોટાપાટે ટામેટા થતા હોય છે. જે માલ સમગ્ર ગુજરાતમાં જતો હોય છે. જેનાથી પરપ્રાંતિય આયાતી ટામેટાની સાથે ગુજરાતની લોકલ આવકો ભળી જતા ભાવમાં ઘરખમ ઘટાડો થતા ગ્રાહકોને સારી એવી રાહત મળી જતી હોય છે. પરંતુ આ વર્ષે ભાઇબીજથી ચાલુ રહેલો વરસાદ અત્યારે પણ વાવાઝોડાની અસર હેઠળ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદના કારણે ટામેટાના છોડ પરના ફૂલ ખરી પડયા છે. તેથી ઉત્પાદન ઘટની શક્યતા છે. ઉપરાંત નવા ફૂલ આવતા સમય લાગે તેમ હોવાથી ગુજરાતની લોકલ ટામેટાની આવકો એક માસ મોડી શરૂ થશે.
ટામેટાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના મતે હાલના સંજોગોમાં ટામેટાના ભાવમાં વઘ-ઘટ થવાની શક્યતા નથી. પરંતુ મહારાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. ત્યાં જો પાક નુકશાની થાય અને આવકો ઘટી જાય તો જ ભાવ વધી શકે છે. હાલમાં અમદાવાદમાં મહારાષ્ટ્રમાંથી રોજની ૪૦ જેટલી ટ્રક ભરીને ટામેટા આવી રહ્યા છે. ગુણવત્તા પ્રમાણે તે માલનો હોલસેલમાં ૧ કિલોએ ૨૦ થી ૨૭ રૂપિયા ભાવ બોલાઇ રહ્યો છે.
બેંગલુરૂમાંથી આવતા ટામેટા ગુણવત્તાની દ્રષ્ટિએ વધુ સારા હોવાથી તેનો હોલસેલમાં ૧ કિલોએ ૩૦ થી ૩૬ રૂપિયાનો ભાવ બોલાઇ રહ્યો છે. જોકે બેંગલુરૂમાંથી રોજની ફક્ત ૩ થી ૪ ટ્રક માલ આવે છે. વેપારીઓના મતે મહારાષ્ટ્રમાં નાસિક, પીપલગાંવ, ગીરનારી, વની, સંગમનેર, નારંગા, અકોલા સહિતના વિસ્તારોમાંથી ટામેટા આવે છે. જ્યાં વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર છે. તેથી પાક નુકશાની થવાની પુરેપુરી સંભાવના વચ્ચે આવકોમાં ઘટ પડતા ભાવ વધી શકે છે.
નોંધપાત્ર છેકે ગત તા.૧૦ ઓક્ટોબરની આસપાસ મહારાષ્ટ્રમાં પડેલા અતિભારે વરસાદ અને ત્યારબાદ સર્જાયેલી પુરની સ્થિતિના કારણે ટામેટાની આવકો ઘટી જતા અમદાવાદમાં ટામેટાનો હોલસેલમાં ૧ કિલોનો ભાવ ૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જેના કારણે ગરીબ-મધ્યમવર્ગની માટે તે સમયે ટામેટા ખાવા લગભગ અશક્ય બની ગયું હતું. હવે પાછો વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતિત છે.