ગુજરાતમાં ડેલ્ટા પ્લસના બે કેસ નોંધાતા ફફડાટ

અમદાવાદ: દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે, ત્યારે કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસના વધતા જતા કેસોએ ચિંતા ફેલાવી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે, કોરોનાના ત્રીજા વેવ માટે આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જ જવાબદાર બનશે. હવે, આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ગુજરાતમાં એકસાથે બે કેસ નોંધાતા ફફડાટ ફેલાઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. દેશમાં હાલમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કુલ ૪૮ કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી બેના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, રાજ્યમાં વડોદરા અને સુરતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ૧-૧ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ભારતના ૧૮ જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ૪૮ કેસ સામે આવી ગયા છે. કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધીમાં ૨૦ કેસ સામે આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં ૭, પંજાબ-ગુજરાતમાં ૨-૨, કેરળમાં ત્રણ, આંધ્રપ્રદેશમાં એક, તમિલનાડુમાં ૯, ઓરિસ્સા, રાજસ્થાન,જમ્મુ કાશ્મીર અને કર્ણાટકમાં એક-એક કેસ સામે આવ્યા છે.