ગુજરાતમાં દર એક મિનિટમાં પાંચ ગુજરાતીઓને કોરોના
હજુ સુધી કુલ ૩૧૫૧૨૭ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ અમદાવાદમાં ૧૯૩૩ કેસઃ બે કલાકે એકનું મોત
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક ૬૦૨૧ કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો.
રાજ્યમાં ૬૦૨૧ નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૨૮૫૪ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૧૭,૯૮૧ દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જાે કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૮૯.૯૫ ટકાએ પહોંચ્યો હતો.
અત્યાર સુધીમાં ૮૨,૩૭,૩૬૭ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૧૧,૧૨,૬૭૮ વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ ૯૩,૫૦,૦૪૫ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે ૬૦ વર્ષથી વધારે વયના તેમજ ૪૫-૬૦ વર્ષનાં કુલ ૧,૭૩,૧૯૬ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૪૨,૫૫૮ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જાેવા મળી નથી.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૩૦,૬૮૦ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૨૧૬ લોકો વેન્ટિલેટર પર છે અને ૩૦,૪૬૪ લોકો સ્ટેબલ છે. ૩,૧૭,૯૮૧ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૪૮૫૫ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે ૫૫ લોકોનાં દુખદ નિધન થયા છે. અમદાવાદ કોર્પોરેશન ૨૦, સુરત કોર્પોરેશન ૧૭, વડોદરા કોર્પોરેશન ૭, રાજકોટ કોર્પોરેશન ૪, રાજકોટ ૨, ભરૂચ ૧, બોટાદ ૧, સાબરકાંઠા ૧, સુરતમાં ૧ આ પ્રકારે કુલ ૫૫ લોકોનાં મોત નિપજ્યાં છે.